ફતેગંજમાં ચા પીવા ઉભેલા પિતરાઈ ભાઈઓ પર લોખંડની પાઈપથી શખસોનો હિંસક હુમલો,એકની હાલત ગંભીર

વોટ્સએપ સ્ટેટસ મુદ્દે અગાઉ ધમકી આપી હતી, જૂની અદાવતમાં જાહેરમાં જીવલેણ હુમલો

MailVadodara.com - Violent-attack-with-iron-pipes-by-individuals-on-cousins-stopped-for-tea-in-Fatehganj-one-in-critical-condition

- જાહેર રોડ પર લોહિયાળ ખેલને પગલે લોકોનું ટોળું એકત્ર થતાં હુમલાખોરો ભાગી ગયા

- કમાટીપુરામાં મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કર્યા બાદ ફતેગંજ રોડ પર ચા પીવા ઉભેલા પિતરાઈ ભાઈઓ પર આ હુમલો કરાયો હતો, પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં 17 જુલાઈએ શુક્રવારે બપોરે જૂની અદાવત રાખી કેટલાક શખસોએ બે યુવક પર લોખંડની પાઇપ અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કમાટીપુરામાં મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કર્યા બાદ ફતેગંજ રોડ પર હોટલ મિડ ટાઉન સામે ચા પીવા ઉભેલા પિતરાઈ ભાઈઓ પર આ હુમલો કરાયો હતો. આ હિંસક હુમલામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને અર્ધબેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની વિગત મુજબ, તાંદલજા રોડ પર રહેતા અને સાવલીમાં ઈંટોનો ભઠ્ઠો ચલાવતા આમીર અનીશ ખાનના બનેવી શાહરૂખ પઠાણે આશરે બે મહિના અગાઉ પોતાના મોબાઈલમાં એક વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. આ બાબતે આરીફ ઉર્ફે ટીન્કુ પઠાણ નામના શખસે ફોન પર ધમકી આપી હતી. જો કે, તે સમયે સમાજના આગેવાનોએ વચ્ચે પડીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. પરંતુ સામાવાળાઓએ મનમાં જૂની અદાવત રાખી હતી.

શુક્રવારે બપોરે આમીર ખાન તેના પિતરાઈ ભાઈઓ આસીફ જમીરઅહેમદ પઠાણ અને આસીફ મુશીર ખાન સાથે નમાજ પઢીને હોટલ મિડ ટાઉન સામે ચા પી રહ્યા હતા. તે જ સમયે ગોરવા અને ફતેગંજ વિસ્તારના માથાભારે તત્વો શાહબાઝ ઉર્ફે મેકુ, ખુર્શીદ ઉર્ફે કે.પી., રિઝવાન, ફેઝલ, સુફિયાન અને આસીમ વસીમ સહિતના અન્ય અજાણ્યા શખસો ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર શાહબાઝે લોખંડની પાઈપથી આસીફ જમીર અહેમદના માથા પર જોરદાર ફટકો મારી દીધો હતો, જ્યારે અન્ય શખસોએ લાકડીઓથી આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.

આ હિંસક હુમલા દરમિયાન પિતરાઈ ભાઈને છોડાવવા વચ્ચે પડેલા આમીર ખાન પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા. આસીમ વસીમે ફરીથી લોખંડની પાઈપ આસીફના માથામાં મારી દીધી હતી, જ્યારે સુફિયાને આમીરને ડાબી આંખ પાસે, હાથની કોણી અને કાંડાના ભાગે પાઈપના ફટકા માર્યા હતા. હુમલાખોરોએ આજે તો તમને લોકોને પતાવી જ દેવાના છે તેવી બૂમો પાડતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

જાહેર રોડ પર આ લોહિયાળ ખેલને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. માથામાંથી અતિશય લોહી વહી જવાને કારણે આસીફ જમીર અહેમદ ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ સાથે રહેલા અન્ય પિતરાઈ ભાઈ આસીફ મુશીર ખાને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક કારમાં બેસાડી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આમીર ખાનના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments