- 15 મિનિટમાં 50થી 70 મોબાઇલ અને રોકડની ચોરી, આઇફોન-સેમસંગ સહિતના મોબાઇલ તફડાવાયા, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી હરી ટાઉનશીપમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. અહીં આવેલા ફોન બુક નામના મોબાઈલ શોરૂમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. બાઈક પર આવેલા બે અજાણ્યા ચોરોએ માસ્ક પહેરીને અને કાળા કપડાં પહેરીને દુકાન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ દુકાનનું શટર વચ્ચેથી અડધું ઊંચું કરીને અંદર ઘૂસી ગયા હતા.



દુકાનના માલિક ધર્મેન્દ્ર ત્રિલોકાનીના જણાવ્યા મુજબ, આ ચોરી મોડી રાત્રે આશરે પોણા ત્રણથી ત્રણ વાગ્યાના અરસામાં થઈ હતી. તસ્કરોએ માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ દુકાનમાંથી આઇફોન, સેમસંગ અને વિવો જેવી પ્રીમિયમ સિરીઝના આશરે 50થી 70 કિંમતી મોબાઈલ ફોન અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ ચોરી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ચોરી થયેલા ફોન્સની કિંમત આશરે 50 લાખ રૂપિયાની આજુબાજુ થાય છે. હાલમાં ચોક્કસ આંકડો મેળવવા સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે.


સવારે જ્યારે દુકાન માલિક રોજિંદા ક્રમ મુજબ દુકાન ખોલવા આવ્યા, ત્યારે સામાન વેરવિખેર પડેલો અને મોબાઈલ ગાયબ જોઈને ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને તસ્કરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે અને CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




