GCAS પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વંચિત રહેલા વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રવેશ અપાશે

MS યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી

MailVadodara.com - Students-who-were-deprived-due-to-technical-glitches-in-the-GCAS-portal-will-be-admitted-on-merit-basis

- પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની પ્રક્રિયા અને તેની વિગતવાર સમયસૂચિ ટૂંક સમયમાં યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.msubaroda.ac.in પર જાહેર કરાશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલમાં સર્જાયેલી તકનીકી ખામીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસને પ્રવેશ પ્રક્રિયા અંગે મોટો નિર્ણય લીધો છે.

યુનિવર્સિટીના સત્તાવાર અહેવાલ મુજબ, GCAS પોર્ટલ સંબંધિત કેટલીક તકનીકી સમસ્યાઓના કારણે પ્રથમ રાઉન્ડ બાદ કેટલાક વિદ્યાર્થીઓને તેમના પસંદગીક્રમ (Choice Filling) મુજબ પ્રવેશ પ્રક્રિયામાં વિચારણા મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં એમ.એસ. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે આ બાબતે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  અંડરગ્રેજ્યુએટ (UG) કાર્યક્રમોની Round-II તથા ત્યારપછીની તમામ પ્રવેશ પ્રક્રિયા અગાઉથી તૈયાર કરાયેલ મેરિટ યાદી મુજબ, કડક ગુણક્રમના આધારે અને સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

પ્રથમ રાઉન્ડ (Round-1) પૂરો થયા બાદ જે બેઠકો ખાલી રહી છે, તેના પર પાત્રતા ધરાવતા ઉમેદવારોને તેમના મેરિટ અનુસાર પ્રવેશની તક અપાશે. તકનીકી કારણોસર કોઈપણ લાયક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે યુનિવર્સિટીએ કટિબદ્ધતા દર્શાવી છે.

યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે, જે વિદ્યાર્થીઓએ GCAS મારફતે પ્રથમ રાઉન્ડ (Round-1) દરમિયાન અરજી કરી હતી, પરંતુ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર હજુ સુધી પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી, તેમણે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આવા તમામ વિદ્યાર્થીઓને Round-II તથા તે પછીના રાઉન્ડમાં તેમના મેરિટ અને નિયમો અનુસાર પ્રવેશ મેળવવાની પૂરતી તક આપવામાં આવશે.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની પ્રક્રિયા અને તેની વિગતવાર સમયસૂચિ (Schedule) ખૂબ જ ટૂંક સમયમાં યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.msubaroda.ac.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ સંબંધિત સત્તાવાર અપડેટ્સ માટે વેબસાઇટ જોતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments