- ગ્રાહકો પાસેથી સોનું અને રોકડ લઈને દાગીના ન આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- ઉઘરાણી કરવા ગયેલી મહિલાને ધમકી અને ગાળો આપ્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ કરી
વડોદરા જિલ્લાના ડેસર પંથકમાં એક સોનીએ દાગીના બનાવી આપવાના બહાને અનેક ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી સોની ગ્રાહકો પાસેથી દાગીના બનાવવા કે રિપેરિંગ કરવા માટે સોનું અને એડવાન્સ રોકડ રકમ મેળવી લઈ ઉઠમણું કરી ગયો હતો. આ મામલે ડેસર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઠગ સોની વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં હાલોલ ખાતે રહેતા આરઝુબેન ઇકબાલભાઈ ઘાંચીએ ડેસર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ડેસરમાં જ્વેલર્સની દુકાન ચલાવતા સંજયભાઈ ચંપકલાલ સોનીએ સોનાના નવા અને આકર્ષક દાગીના બનાવી આપવાની ખાતરી આપીને આરઝુબેન તેમજ વિસ્તારના અન્ય અનેક ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસમાં આવેલા ગ્રાહકોએ સોનાના દાગીના ઘડવા માટે મોટી માત્રામાં સોનું અને રોકડ રકમ સંજય સોનીને સુપ્રત કરી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં સોનીએ દાગીના તૈયાર કરીને આપ્યા નહોતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સંજય સોનીએ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી સોનાના બ્રેસલેટ, હાર, સેટ, ચેન અને અન્ય ઘરેણાં બનાવવા તેમજ જૂના દાગીના રિપેરિંગ કરવાના બહાને સોનું તથા રોકડ રકમ મળીને કુલ રૂ.13,01,000 (13.01 લાખ) પડાવી લીધા હતા. ગ્રાહકો જ્યારે પણ પોતાની કિંમતી વસ્તુઓ કે આપેલા નાણાં પરત માંગવા દુકાને જતા ત્યારે આરોપી દર વખતે કોઈને કોઈ ખોટા વાયદા કરીને તેમને ધક્કા ખવડાવતો હતો.
છેલ્લે જ્યારે ભોગ બનનાર મહિલાએ પોતાના હકની રકમ કે સોનું તાત્કાલિક પરત આપવા માટે કડક ઉઘરાણી કરી ત્યારે આરોપી સોની પોતાની અસલી હેસીયત પર આવી ગયો હતો. તેણે મહિલાને જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હતી અને જો હવે પછી અહીયાં રૂપિયા માંગવા આવીશ તો 'જાનથી મારી નાખીશ' તેવી ગંભીર ધમકી આપી ભગાડી મૂકી હતી.
પોતાની સાથે આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ આરઝુબેને ડેસર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે આરોપી સંજય ચંપકલાલ સોની વિરૂદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય કેટલા ગ્રાહકો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસ પૂછપરછ ચલાવી રહી છે.


