રણોલી ગામે વૃદ્ધ દંપતીના બંધ ઘરમાંથી દાગીના અને રોકડ સહિત રૂા.1.90 લાખની મતા તસ્કરો ચોરી ગયા

ગાયત્રી ટાઉનશીપ વિસ્તારમાં પરિવારના સભ્યો દ્વારકા-સોમનાથ દર્શન માટે ગયા હતા

MailVadodara.com - Smugglers-stole-jewellery-and-cash-worth-Rs-1-90-lakh-from-the-locked-house-of-an-elderly-couple-in-Ranoli-village

- પડોશીએ ફોન કરીને ઘરનો દરવાજો ખુલ્લો અને સામાન વેરવિખેર પડ્યો હોવાની આપી હતી

- વીડિયો કોલ દ્વારા ઘરની સ્થિતિ જોઈને પરિવાર સોમનાથ જવાનો કાર્યક્રમ રદ કરી પરત ફર્યો

વડોદરા નજીક આવેલા રણોલી ગામની ગાયત્રી ટાઉનશીપ વિસ્તારમાં પરિવારના સભ્યો દ્વારકા દર્શન માટે ગયા હતા. દરમિયાન વૃદ્ધ દંપતીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.90 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, રણોલીના ગાયત્રી ટાઉનશીપમાં રહેતા નિવૃત્ત દીલીપકુમાર પંચાલ તેમની પત્ની જયશ્રીબેન સાથે રહે છે. 10 મેના રોજ તેઓ પરિવાર સાથે દ્વારકા દર્શન માટે ગયા હતા. ઘરને બંધ કરીને પરિવાર દ્વારકા તરફ નીકળ્યો હતો અને ત્યારબાદ સોમનાથ જવાનો કાર્યક્રમ પણ નક્કી કર્યો હતો.

આ દરમિયાન 12 મેના રોજ બપોરે પડોશી લાલુભાઈએ દીલીપકુમારના પુત્રને ફોન કરીને ઘરનો દરવાજો ખુલ્લો હોવાની અને અંદર સામાન વેરવિખેર પડ્યો હોવાની માહિતી આપી હતી. વીડિયો કોલ દ્વારા ઘરની સ્થિતિ જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો અને સોમનાથ જવાનો કાર્યક્રમ રદ કરીને તાત્કાલિક વડોદરા પરત ફર્યો હતો.

ઘરે પહોંચીને તપાસ કરતા કબાટમાંથી આશરે રૂ.40 હજાર રોકડ, પાંચ ગ્રામની સોનાની લગડી, પાંચ ગ્રામનું સોનાનું લોકેટ, ચાંદીના પગના છડા તથા ચાંદીનો સેટ સહિત કુલ રૂ.1.90 લાખની મત્તાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. ત્યારે પરિવારે આ મામલે અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments