વારસિયામાં વકિલના ઘરમાંથી તસ્કરો 4 મોબાઇલ અને બે પર્સ મળી રૂા.48 હજારની મતા ચોરી ફરાર

સંત કંવર કોલાનીના ઘરમાં તસ્કરો પાછળના દરવાજામાં હાથ નાખીને સ્ટોપર ખોલી પ્રવેશ્યા હતા

MailVadodara.com - Smugglers-found-4-mobile-phones-and-two-purses-from-lawyers-house-in-Warsia-stole-Rs-48-thousand-absconded

- વકીલે કહ્યું કે, અમે ઘરમાં સુતા હતા તે દરમિયાન તસ્કરો ફોન, પર્સ ચોરી કરી ગયા હતા, ઉપરાંત ત્રણ ગલી છોડી અન્ય એક ઘરમાંથી 3 ફોન જ્યારે બીજા ઘરમાંથી રૂપિયા 15 હજાર ચોરાયા હતા

વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી સંત કંવર કોલાનીમાં સુતા વકિલના ઘરમાં પ્રવેશી તસ્કર પરિવારના તમામ સભ્યોના ફોન, બે પર્સ મળીને રૂ.48 હજારની મત્તા ચોરી કરી ગયા હતા, આટલું જ નહીં તસ્કરો એક જ રાત્રીએ અન્ય બે ઘરને પણ નીશાન બનાવ્યા હતા, જોકે ચોરીના બે દિવસ બાદ ફરી તસ્કરો ચોરી કરવા સંત કંવર કોલોનીમાં જ પ્રવેશ્યા હતા. વારસીયા પોલીસે ગુનો નોંધ્યો છે.

વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા સની ઈશ્વરભાઈ બ્રહ્મખત્રી વકિલાત કરે છે. તેમના ભાઈ કલ્પેશભાઈ પણ વકિલાત કરે છે. ગત તા. 23 ઓક્ટોબરે સની, કલ્પેશભાઈ સહિત માતા-પિતા ઘર અંદરથી બંધ કરી સુઈ ગયા હતા. બીજા દિવસે સનીના પિતા સવારે છ વાગ્યે ઉઠ્યા હતા, તેમનો ફોન જણાયો નહોતો. સનીના માતાનો પણ ફોન જણાયો નહોતો. આખા પરિવારે ઉઠીને જોતાં 4 ફોન ઘરમાં મળ્યા નહોતા. જ્યારે સનીના માતા તથા ભાઈનું પર્સ પણ નહોતું. તસ્કરોએ ઘરની પાછળના દરવાજામાં હાથ નાખીને સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી 4 ફોન, 2 પર્સ મળી રૂ.48,400ની મત્તા ચોરી હતી.

સની બ્રહ્મખત્રીએ જણાવ્યું હતું કે, અમે ઘરમાં સુઈ રહ્યા હતા, તે દરમિયાન ઘરમાં પ્રવેશી તસ્કર ફોન, પર્સ ચોરી કરી ગયા હતા. અમારા ઘરથી ત્રણ ગલી છોડી બે ઘરમાં ચોરી થઈ હતી. એક ઘરમાંથી ત્રણ ફોન ચોરાયા હતા, જ્યારે બીજા ઘરમાંથી રૂ.15 હજાર ચોરાયા હતા. તે મકાન માલિક જાગી ગયા તો તસ્કર ભાગી ગયા હતા. તસ્કર મળસ્કે 3-4 વાગે સોસાયટીમાં આવે છે. અમારા ઘરે ચોરી થયા બાદ બે દિવસ પછી ફરીથી તસ્કર આવ્યા હતા. પરંતુ મકાન માલિક જાગી જતાં તસ્કર ભાગી ગયા હતા.

વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.એ.દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. તસ્કરોને પકડવા સીસીટીવી સહિત અન્ય સોર્સિસ આધારે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Share :

Leave a Comments