સુભાનપુરા વિસ્તારની સોસાયટીના બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ લઈ તસ્કરો ફરાર

સુભાનપુરામાં ઇનઓર્બિટ મોલ પાછળ નૂતન આશાપુરી સોસાયટીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા

MailVadodara.com - Smugglers-abscond-with-gold-ornaments-and-cash-from-a-closed-house-of-a-society-in-Subhanpura-area

- પાડોશીએ ફોન કર્યો કે મકાનનો દરવાજો ખુલ્લો છે, મકાનમાંથી કુલ 2.60 લાખની કિંમતના સોના-હીરાના દાગીના અને રોકડ મળીને કુલ 2,95,000ની ચોરી થતા ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 2,95,000ની મતાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર નિવૃત્ત પ્રૌઢે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, ભાયલી વિસ્તારમાં આવેલી મેડ્રિડ કાઉન્ટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સમીર બિપિનચંદ્ર દવે (ઉં.વ. 57)નું એક બીજું જૂનું મકાન સુભાનપુરામાં ઇનઓર્બિટ મોલ પાછળ આવેલી નૂતન આશાપુરી સોસાયટીમાં આવેલું છે. આ મકાનમાં તેમના 82 વર્ષીય માતા અનીલાબેન એકલા રહે છે. ગત તારીખ 12 મેના રોજ તેમના માતા મકાનને તાળું મારીને ભાયલી ખાતે દીકરાના ઘરે રહેવા આવ્યા હતા. ત્યારબાદ તારીખ 13 મેના રોજ બપોરે સમીરભાઈ બ્રોકરને મકાન બતાવવા માટે સુભાનપુરા ગયા હતા અને મકાન બતાવીને ફરી તાળું મારી પરત ફર્યા હતા.

બાદમાં ગઇકાલે સુભાનપુરા સ્થિત જૂના મકાનના પાડોશીનો કોલ આવતા તેઓએ જાણ કરી હતી કે તેમના મકાનનો દરવાજો ખુલ્લો છે અને ઘરનો સામાન વેરવિખેર પડેલો દેખાય છે. ચોરીની આશંકા જતા પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘરમાં તપાસ કરતા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હોવાનું અને કબાટો ફંફોસીને કિંમતી સામાન ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.

મકાનમાંથી કુલ 2,60,000ની કિંમતના સોના-હીરાના દાગીના અને 35,000ની રોકડ રકમ મળીને કુલ 2,95,000ની ચોરી થતા સમીરભાઈ દવેએ આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહીની માગ કરી છે.

Share :

Leave a Comments