વડોદરામાં રામનવમી અને મહાવીર જયંતિએ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ

ધાર્મિક આસ્થાઓને માન આપીને કતલખાના બંધ રાખવા વડોદરા પાલિકાનો આદેશ

MailVadodara.com - Slaughterhouses-in-Vadodara-ordered-to-remain-completely-closed-on-Ram-Navami-and-Mahavir-Jayanti

- પાલિકાના અધિકારીઓ આકસ્મિક ચેકિંગ કરશે, આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના માંસ, મચ્છી અને ચિકનનો વ્યવસાય કરતા વેપારીઓ માટે એક મહત્ત્વની જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના અનુસાર, ગુજરાત સરકારના આદેશ અને ધાર્મિક આસ્થાઓને માન આપીને આગામી રામનવમી અને મહાવીર જયંતિએ કતલખાના બંધ રાખવા આદેશ કરાયો છે.

મહાનગરપાલિકાના આદેશ અનુસાસ તા. 26 માર્ચ, ગુરુવારના રોજ રામનવમી તથા તા. 31 માર્ચ, મંગળવારના રોજ મહાવીર જયંતિના પવિત્ર પર્વો નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસોએ પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે શહેરના તમામ વિસ્તારોમાં માંસ-મચ્છીનું વેચાણ કરતા વેપારીઓએ પણ પોતાનો વ્યવસાય અને દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.vmc.gov.in પર પણ આ અંગેની સત્તાવાર વિગતો મૂકવામાં આવી છે. રામનવમી અને મહાવીર જયંતિ જેવા મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન જીવદયા અને અહિંસાના પાલન અર્થે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી આ નિયમનું ઉલ્લંઘન કરશે અથવા નિર્ધારિત દિવસે વ્યવસાય ચાલુ રાખશે, તો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના તમામ માંસ અને મચ્છીના વેપારીઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્રને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.

પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રહેવાની સાથે સાથે છૂટક વેચાણ પર પણ પ્રતિબંધ હોવાથી નાગરિકોને પણ આ બાબતની નોંધ લેવા જણાવાયું છે. આરોગ્ય વિભાગની ટીમો આ બંને દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ પણ હાથ ધરી શકે છે અને જો કોઈ નિયમોનો ભંગ કરતુ માલુમ પડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments