- ફરિયાદીએ હાલ પૈસા ન હોવાનું કહેતા રોષે ભરાયેલા દુકાનદારે મુક્કા-લાત મારીને તેનો આખો ચહેરો ફુલાવી દીધો
- ઇજાગ્રસ્ત દુકાનદારના નાક અને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થઈ ગયું

વડોદરાના કારેલીબાગમાં માત્ર 7 હજાર રૂપિયાના કિરાણા બિલના કારણે પાડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો. દુકાનદારે `બે દિવસમાં પૈસા આપી દઈશ' કહેવા છતાં ગુસ્સે થઈને ધક્કો મારીને પછાડ્યો અને ત્યારબાદ મુક્કા-લાત મારીને તેનો આખો ચહેરો ફુલાવી દીધો. જાનવરની જેમ મારવાના કારણે દુકાનદારના નાક અને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થઈ ગયું. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ છે, જેની મદદથી કારેલીબાગ પોલીસે આરોપી સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રાજીશકુમાર શિયપા (ઉં.વ. 47)એ જણાવ્યું હતું કે, તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલની સામે શ્રી ગુરુવાયુરપ્પન ટાયર સર્વિસ નામની ટાયરની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાને હતા અને રસ્તા પર ઘાયલ થયેલા કૂતરાનો વીડિયો બનાવી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ જ સમયે પડોશમાં આવેલી સત્વજીવન પ્રોવિઝન સ્ટોરના માલિક સત્યેન માધવલાલ પટેલ (રહે. વી.આઈ.પી. રોડ, કારેલીબાગ)એ તેમને પોતાની દુકાને બોલાવ્યા હતા.
જ્યાં તેમણે રાજીશકુમારને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પરિવારજનો દુકાનેથી વેફર, પાન-પાનીપુરીનો મસાલો તથા અન્ય ઘરવખરીનો સામાન લઈ જાય છે અને તેનું આશરે 7 હજાર રૂપિયા બિલ બાકી છે. જેની તાત્કાલિક ચુકવણી કરવા દબાણ કર્યું હતું.

રાજીશકુમારે પૈસા હાલ ન હોવાથી થોડા દિવસમાં ચૂકવી આપવાનું કહ્યું હતું. જેથી, સત્યેન પટેલ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું અને રાજેશકુમારને ગાળો આપી હતી અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નાક પર મુક્કો માર્યો હતો અને ઢોરમાર માર્યો હતો અને ડાબા હાથના કાંડા પર હાથ વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ રાજીશકુમારના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને હાથમાં તીવ્ર દુખાવો થયો હતો. તેઓ ત્યાંથી નીકળીને પોતાના મામા પીયુષભાઈ ઠાકોરભાઈ અમીન (રહે. શિવશક્તિ બંગલોઝ, મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગ, વડોદરા)ના ઘરે ગયા હતા. જેથી તેમના મામા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ડોક્ટરે એક્સ-રે કરાવતાં રાજીશકુમારના નાક તથા ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. હાલ તેમની સારવાર ચાલુ છે કારેલીબાગ પોલીસે આરોપી સત્યેન માધવલાલ પટેલ સામે ગુનો નોંધીને વધુ વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી રાજીશકુમાર શિયપાએ જણાવ્યું હતું કે, સત્યજીવન પ્રોવિઝન સ્ટોરમાંથી હું ખરીદી કરું છું અને ચાર પાંચ મહિને 5 હજાર જેટલા રૂપિયા આપી દઉં છું. આ વખતે 7 હજાર રૂપિયા બિલ થઈ ગયું છે. આ વખતે પૈસા આપવામાં એક મહિનો મોડું થઈ ગયુ હતો. જેથી રૂપિયા માંગીને દુકાન માલિક સત્ય મને મારવા લાગ્યો હતો. મેં એને કહ્યું હતું કે, બે દિવસમાં આપું છું. પણ એ માન્યો નહોતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેને મારો ફોન ખેંચી લીધો હતો, પછી ફોન પડી ગયો મારો. પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યો એટલે હું ફૂટપાથમાં પડી ગયો હતો અને મને જાનવરની જેમ મરવા લાગ્યો હતો અને આખો ચહેરો ફૂલાવી દીધો હતો. નાક તોડી નાખ્યું હતું અને હાથ પણ તોડી નાખ્યો હતો અને WWFની જેમ ઉચકીને અને ઘસડી-ઘસડીને લઈ ગયો હતો અને માર મારતો રહ્યો હતો.


