ગોત્રી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, દર્દીને ખોટું બ્લડ ચડાવાયું, સમયસર અટકતા જીવ બચી ગયો

બે દર્દીઓના નામમાં ગડબડથી અલગ બ્લડ ગ્રુપ ચડાવાયું!!, મિનિટોમાં દૂર કરી સારવાર કરાઇ

MailVadodara.com - Serious-negligence-at-Gotri-Hospital-wrong-blood-was-given-to-the-patient-life-was-saved-by-stopping-it-in-time

- મહિલાની તબિયત લથડતા શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી, બ્લડ પ્રેશર ખૂબ જ વધી જતાં દર્દીના સગાએ સ્ટાફનું ધ્યાન દોર્યા બાદ તપાસ કરતા ખબર પડી કે ખોટા બ્લડ ગ્રુપનું બ્લડ ચઢાવી દેવાયું છે, તરત જ બ્લડની બોટલ બંધ કરી દર્દીને આઇ.સી.યુ.માં ખસેડયા હતા

- RMOએ કહ્યું- નર્સિંગ સ્ટાફને નોટિસ આપી, ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી કરીશું

કોઈપણ વ્યક્તિને જ્યારે સારવારની જરૂર પડે ત્યારે તે ભગવાન સમાન તબીબ અને હોસ્પિટલ પર વિશ્વાસ રાખીને સારવાર માટે પહોંચે છે. પરંતુ કેટલીકવાર હોસ્પિટલમાં થતી બેદરકારી દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવો જ એક ગંભીર કિસ્સો વડોદરાની સરકારી GMERS ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો છે, જ્યાં એક દર્દીને અન્ય દર્દી માટે મંગાવાયેલું ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં એક સાથે બે દર્દીઓ સારવાર હેઠળ હતા અને બંનેને બ્લડની જરૂરિયાત હતી. ચાર દિવસ પહેલા આણંદ જિલ્લાના એક ગામની ટી.બી.ગ્રસ્ત મહિલા દર્દી સારવાર માટે દાખલ થઈ હતી. દર્દીના સગાને લોહી લાવવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે પરત આવે તે પહેલા જ વોર્ડમાં અન્ય દર્દી માટે મંગાવેલું બ્લડ આવી ગયું હતું. નર્સિંગ સ્ટાફે યોગ્ય ચકાસણી કર્યા વગર તે બ્લડ મહિલા દર્દીને ચઢાવી દીધું હતું.

થોડા જ સમયમાં મહિલાની તબિયત લથડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી અને બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું. દર્દીના સગાએ તાત્કાલિક સ્ટાફનું ધ્યાન દોરતા સ્ટાફે તપાસ કરી અને ખબર પડી કે ખોટા બ્લડ ગ્રુપનું બ્લડ ચઢાવી દેવામાં આવ્યું છે. તરત જ બ્લડની બોટલ બંધ કરી દર્દીને આઇ.સી.યુ.માં ખસેડવામાં આવી હતી. સમયસર પગલાં લેવામાં આવતા દર્દીની હાલત હાલમાં સ્થિર છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વારંવાર આવી બેદરકારી સામે આવતી હોવા છતાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો દર્દીને કંઈ ગંભીર નુકસાન થયું હોત તો તેની જવાબદારી કોણ લેત તે પણ મોટો સવાલ છે.

આ મામલે હોસ્પિટલના RMO ડો. કટલાણાએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર બેદરકારીનો કેસ છે. બે સમાન નામ ધરાવતા દર્દીઓ હોવાને કારણે ગેરસમજ સર્જાઈ હતી અને નર્સિંગ સ્ટાફે ચકાસણી કર્યા વગર ખોટું બ્લડ ચઢાવી દીધું હતું. જોકે, ગણતરીની મિનિટોમાં ભૂલની જાણ થતાં જ તરત જ બ્લડ દૂર કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. હાલમાં દર્દીની હાલત સારી છે અને તેને રજા પણ આપવામાં આવી છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા જવાબદાર નર્સિંગ સ્ટાફને નોટિસ આપવામાં આવી છે. સાથે જ, આ મામલે કમિટી બનાવી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને જરૂર જણાશે તો સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કે ટર્મિનેટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. દર્દીના સગાએ આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવી બેદરકારી ફરી ન થાય તે માટે કડક પગલાં લેવા માંગ કરી છે

Share :

Leave a Comments