બરાનપુરા સ્કૂલમાં 30 છરીના ઘા મારી ધો.9ના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરનાર સિનિયર વિદ્યાર્થીને આજીવન કેદ

વર્ષ 2018માં થયેલી વિદ્યાર્થીની કરપીણ હત્યાના કેસમાં ચિલ્ડ્રન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો

MailVadodara.com - Senior-student-who-brutally-murdered-a-9th-grader-with-30-stab-wounds-at-Baranpura-School-gets-life-imprisonment

- દેવકિશને બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં બે દિવસ પહેલા જ ધો-9માં પ્રવેશ મેળવ્યો હતો

- ઘટનાના બે દિવસ પહેલા સિનિયર વિદ્યાર્થીને શિક્ષકે ઠપકો આપતા શાળામાં રજા પડે તે હેતુથી ઓળખતા ન હોય તેવા દેવકિશન તડવીને તિક્ષ્ણ હથિયારના 30 ઘા મારી કરપીણ હત્યા કરી હતી


વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલય સ્કૂલમાં વર્ષ 2018માં બે દિવસ પહેલા જ અભ્યાસ કરવા માટે આવેલ વિદ્યાર્થી ઉપર સિનિયર વિદ્યાર્થીએ છરીના 30 ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં ચિલ્ડ્રન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શિક્ષકે ઠપકો આપ્યો તો ધો-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવવા ધો. 9ના વિદ્યાર્થીને પતાવી દીધો હતો.


વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય સ્કૂલમાં 22 જૂન 2018માં દેવકિશન ભગવાનદાસ તડવીએ ધો-9માં એડમિશન લીધું હતું. એડમિશન લીધાના બે દિવસ બાદ જ શાળાના શૌચાલયમાં ધો-10માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીએ દેવકિશન ઉપર ઉપરા છાપરી છાપરી ચાકુના 30 ઘા માર્યા હતા અને દેવની હત્યા કરી નાખી હતી.

પોલીસે તુરંત સ્કૂલની અંદર લાગેલા આઠ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આગળ પોલીસને જે દૃશ્યો જોવા મળવાના હતા તે કોઈ પણ સામાન્ય માણસના રૂંવાડા ખડા કરી દે તેવા હતા. બાથરૂમની અંદર કેમેરો લગાવ્યો નહોતો પરંતુ બહારના કોરિડોરમાં એક કેમેરો હતો.


આ કેમેરાના ફૂટેજ ચલાવવાનું શરૂ કરતા પોલીસને જણાયું કે સવારે 11.35 વાગ્યાની આસપાસના સમયે બે વિદ્યાર્થી અંદરથી બહાર દોડી આવતા જોવા મળ્યા હતા. તેની બરાબર બે મિનિટ બાદ અન્ય એક વિદ્યાર્થી પણ હાથમાં લોહી નિતરતો છરો, ભૂરા રંગની સ્કૂલબેગ અને લોહીથી લથબથ કપડાં સાથે બહાર દોડતો જોવા મળ્યો હતો.


આ ઘટનાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે વર્ષ 2019માં ચિલ્ડ્રન કોર્ટમાં કેસ રજીસ્ટર થયો હતો. આ કેસ સ્પેશિયલ ચિલ્ડ્રન કૉર્ટમા ચાલ્યો હતો અને અધિક સેશન્સ જજ શકુન્તલા નરેશકુમાર સોલંકીએ સગીર વિદ્યાર્થીને આજીવન કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

બે દિવસ પહેલા જ દેવકિશન તડવી શાળામાં ધો-9માં પ્રવેશ મેળવ્યો હતો. ઘટનાના બે દિવસ પહેલા સિનિયર વિદ્યાર્થીને વર્ગશિક્ષકે ઠપકો આપતા એકમાત્ર શાળામાં રજા પડે તે હેતુથી ઓળખતા ન હોય તેવા દેવ તડવીને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને કરપીણ હત્યા કરી હતી. જેથી આ વિદ્યાર્થીની માનસિકતા, ગુનો સમજવાની શક્તિ તેમજ કૃત્ય કરવાથી આવનાર પરિણામથી વાકેફ હોવાનું જણાઈ આવ્યું હતું.


કોર્ટે નોંધ્યુ છે કે, ઘટના સમયે વિઘાર્થીની ઉંમર માત્ર 16 વર્ષની હતી તેમ છતા આટલો ગંભીર ગુનો આચર્યો છે અને ખૂબ જ કરપીણ રીતે 14 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરી છે. તે સંજોગોમાં તેને હળવાશથી લઈ શકાય નહીં.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી કે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સામે હત્યાનો ગુનો પુરવાર થયેલ છે. જે અન્ય વિદ્યાર્થીને ઓળખતા પણ ન હોય તે વિદ્યાર્થીને પોતાનો ઈરાદો પાર પાડવા માટે હત્યા કરી ગંભીર ગુનો કર્યો છે. આ ગુનામાં હળવાશ રાખી શકાય નહીં જેથી કાયદામાં જણાવ્યા મુજબ સખત સજા ફરમાવવી જોઈએ.

Share :

Leave a Comments