- આજે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત ત્રિમૂર્તિ બંગ્લોઝના રહીશોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ પરની કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીને લઈને રહીશોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.13માં સમાવિષ્ટ આર.વી.દેસાઈ રોડ પર આવેલી ગોયાગેટ સોસાયટી, નવકાર ડુપ્લેક્સ, ત્રિમૂર્તિ બંગ્લોઝ, શક્તિ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. આજે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત ત્રિમૂર્તિ બંગ્લોઝના રહીશોએ કોંગી કાઉન્સિલરની ઉપસ્થિતિમાં જીવાતવાળા દુર્ગંધ યુક્ત દૂષિત પાણીની ભરેલી ડોલ સાથે તંત્ર સામે આક્રોશ દર્શાવ્યો હતો.

રહીશોનું કહેવું છે કે, છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોને અગાઉ અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. સમયસર વેરો ચૂકવ્યા બાદ દૂષિત પાણી આવવાથી ઘરના ટાંકાઓ સાફ કરાવવા પૈસા ચૂકવવા પડે છે. અને દૂષિત પાણી આવતું હોવાથી પાણી ખરીદવાની નોબત આવે છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ ઉપરાંત વિસ્તારમાં આડેધડ ખોદકામ થતાં બીજી સમસ્યાઓ ઊભી થાય છે. કોંગી કાઉન્સિલરનું કહેવું છે કે, મેન હોલમાં ડ્રેનેજના પાણી ભરેલા છે. લાલબાગ પંપીંગ સ્ટેશનનો કુવો 22 ફૂટ જેટલો ભરેલો છે. પંપીંગ સ્ટેશનના પંપ યોગ્ય કામ કરી રહ્યા ન હોય જેના કારણે સમસ્યા વકરી હોવાનું જણાય છે. દૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે.


