- ભારે વાહનોની અવર-જવરને કારણે રણોલી બ્રિજને નુકસાન થવાની તેમજ જાનહાનિની સંભાવના, વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવા જાહેરનામું બહાર પાડ્યું
વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને રણોલી રેલવે ઓવર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે એ અને ટ્રાફિક ડાયવર્ઝન આપીને વૈકલ્પિક રસ્તો પણ જાહેર કરાયો છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના જાહેરનામા પ્રમાણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના પત્ર અનુસાર તા.09/07/2025ના રોજ ગંભીરા બ્રિજ પાસે બનેલ અકસ્માતને કારણે ત્યાંથી આવતો ટ્રાફિક રણોલી બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રણોલી બ્રિજ પર કાર્યપાલક ઈજનેર, વડોદરા, નાયબ કાર્યપાલક ઈજનેર, આલેખન (માર્ગ અને મકાન વિભાગ), વર્તુળ, ગાંધીનગર અને CASAD Consultant દ્વારા કરવામાં આવેલ સ્થળ નિરીક્ષણ દરમિયાન જણાયું છે કે, ભારે વાહનોની અવર-જવરને કારણે રણોલી બ્રિજને નુકસાન થવાની તેમજ જાનહાનિની સંભાવના છે.

લોકોની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને રણોલી રેલવે ઓવર બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે ટ્રાફિકને વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી શહેરીજનોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે, જેથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ (1951)ની કલમ 33 (1) બી. હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી, તા.15/07/2025થી રણોલી રેલવે ઓવર બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે અને વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવા જાહેરનામું બહાર પાડ્યું છે અને વૈકલ્પિક રસ્તો પણ જાહેર કર્યો છે.


