- હાલ આ રોડ પર વરસાદી ગટર ન હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જતાં લોકોને તકલીફ પડે છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 16માં ગુરુકુળ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ રોડ ઉપર વરસાદી ગટર નહીં હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, અને લોકોને હાલત કફોડી બને છે. વરસાદી ગટરની કામગીરી પૂર્ણ થતા ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી 27 મીટરના રસ્તે યોગીરાજ ટાઉનશીપ, નીલામ્બર ટાઉનશીપ, સિધ્ધેશ્વર હેલીકોમ, પર્ણકુટીર, પ્રથમ રેસીન્સી, આદિત્ય ઓર્બીટ ફ્લેટ જેવી અનેક સોસાયટી આવેલ છે. જેમાં અંદાજે 4થી5 હજાર જેટલા પરિવાર વસવાટ કરે છે.
વરસાદી ગટર ન હોવાના કારણે ભરાતા પાણી અને અપુરતી કાચી/ ખુલ્લી કાંસના કારણે ખુબજ દુર્ગંધ તથા મચ્છરોનો ત્રાસ રહેતો હોવાથી સ્થાનિક નાગરીકો દ્વારા આ રસ્તે વરસાદી ગટર નાખવા અંગે રજુઆતો કરવામાં આવી હતી. કામગીરી અર્થે વરસાદી ગટરના કામો માટેના એમ્પેનલ્ડ કન્સલટન્ટ તરફથી આ કામ સૂચવ્યું હતું. ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી અંદાજે 1500 મીટર જેટલી લંબાઇમાં 40 ઇંચ ડાયામીટર ની લાઈનનું કામ ચાલુ કરાયું છે. આ કામગીરી 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવી રહી છે.


