- શિક્ષકને પથરીના દુખાવાનું જણાવીને બાળકી ઘરે જવા નીકળી હતી પણ ઘરે પહોંચી ન હતી
- સગીર બાળકીને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ કરતાં પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના ડરથી તેણે કોઈને કહ્યા વિના ઘર છોડી દીધું હોવાનું જણાવ્યું હતું
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાંથી ઘરે જતી વખતે ગુમ થયેલી સગીર વયની બાળકીને કારેલીબાગ પોલીસે માત્ર ગણતરીના કલાકમાં શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. જેને પગલે પરિવારે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 14 વર્ષની સગીર દીકરી ખાનગી ક્લાસીસમાં બપોરે 12.30થી 3 વાગ્યા દરમિયાન ટ્યુશનમાં ગઈ હતી. ક્લાસમાં હાજર શિક્ષકને પથરીના દુખાવાનું કારણ જણાવીને બાળકી બપોરે દોઢ વાગ્યે ઘરે જવા નીકળી ગઈ હતી. જોકે, તે ઘરે પરત ફરી નહોતી અને પરિવારજનોને પણ મળી નહોતી.

બાળકી ન મળતા પરિવારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પીઆઈ એન એમ ચૌધરીએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે ટેક્નિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને બાળકીને ઝડપથી શોધી કાઢવામાં આવી હતી. તેને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ કરતાં ખબર પડી કે, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના ડરથી તેણે કોઈને કહ્યા વિના ઘર છોડી દીધું હતું.
પોલીસે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને પરિવારને સોંપી હતી અને પરિવારજનોને બાળકીનું સારી રીતે ધ્યાન રાખવા સમજાવ્યું હતું. આ કાર્યવાહીથી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન થયું છે. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.


