રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલ કરવામાં આવી છે. જે મુજબ શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ/વહીવટી તંત્ર દ્વારા/કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધિતોએ રાજ્ય ચૂંટણી આયોગના નિતિ નિયમોનુસાર આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો થાય છે.
ચૂંટણી દરમ્યાન હિંસક બનાવો ન બને તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે આ સાથે મુકત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેવી કાર્યવાહી કરવાની જરૂર જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા શ્રી બી. એસ. પટેલ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો સાથે હરવા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, કોઇપણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરવું નહીં અથવા આવા હથિયાર સાથે હરવું ફરવું નહીં.
બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકિતઓએ ઉકત જાહેર કરવામાં આવેલ સ્થળોમાં વસવાટ કરતા હોય તો તેઓએ પણ હથિયાર ધારણ કરવું નહી અથવા હથિયાર સાથે જાહેરમાં હરવું ફરવું નહીં.
આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ વ્યકિતગત હથિયાર પરવાના હેઠળના તમામ હથિયારો તાત્કાલીક અસરથી જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.
આ આદેશમાંથી સરકારી નોકરીનું કામકાજ કરતી કોઈ વ્યકિત તેની ફરજના ભાગ રૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું હથિયાર લઈ જવાની ફરજ હોય. ઈન્ડીયન નેશનલ રાયફલ એસોસિએશનના સભ્યો. જે માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીય, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથીયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથીયાર જમા કરાવવામાં મુક્તી આપવામાં આવે છે. આવા સિક્યુરીટી ગાર્ડે તેઓ જે બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષા થઈ શકશે. આ હુકમ તા. ૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.


