ફતેગંજમાં નરહરી હોસ્પિટલની પાછળ વિશ્વામિત્રી નદીમાંથી 14 ફૂટના મહાકાય મગરનું રહસ્યમય મોત

એક મહિનામાં 3ના જીવ ગયા; વિશ્વામિત્રીમાં રહેતા 417 મગરોના અસ્તિત્વ સામે સવાલ

MailVadodara.com - Mysterious-death-of-a-14-foot-giant-crocodile-from-the-Vishwamitri-River-behind-Narhari-Hospital-in-Fatehganj

- આ અગાઉ 4 અને 5 ફૂટના બે મગર એક બાદ એક મૃત મળ્યા હતા

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે એક 14 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મગરની ઉંમર અંદાજે 45 વર્ષ હતી. વડોદરા વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસમાં 3 મગરો અને તે અગાઉ એક એમ કુલ 4 મગરોના મોત થયા છે. અત્યારે મગરોમાં પ્રજનનની સિઝન ચાલતી હોય છે, જેના કારણે તેમની વચ્ચે ટેરેટરીના વર્ચસ્વ માટે લડાઈ થતી હોય છે. આ લડાઈ દરમિયાન થયેલી ઇજાઓ અને વૃદ્ધાવસ્થા મગરના મૃત્યુ માટેના મુખ્ય કારણો હોઈ શકે છે. ગઈકાલે સોમવારે જે મગર મૃત્યુ પામ્યો હતો તેની લંબાઈ 14 ફૂટથી વધુ હતી અને તે પુખ્ત વયનો હતો. તેની ઉંમર પણ એક કારણ હોઈ શકે છે.

ટેરિટોરિયલ ફાઈટ એ વન્યજીવોના વર્તનનો એક ભાગ છે. ખાસ કરીને જ્યારે પ્રજનનનો સમય હોય ત્યારે વન્ય પ્રાણીઓમાં અંદરોઅંદર સંઘર્ષ થતો હોય છે. મગરો પોતાના ચોક્કસ વિસ્તાર માટે લડતા હયો છે, જેમાં ઈજા થવાને કારણે ઘણીવાર મૃત્યુ પણ નિપજતું હોય છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણના નિયમ મુજબ, જ્યારે કોઈપણ મગર કે અન્ય જીવને રેસ્ક્યુ કરવામાં આવે, ત્યારે તેને તેના કુદરતી રહેઠાણમાં જ છોડવો પડે છે. વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં મગરોને જે તે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય ત્યાં જ અથવા તેના નજીકના કુદરતી રહેઠાણમાં ફરી મુક્ત કરવામાં આવે છે.

આ પહેલાં 22 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના અકોટા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર એક મૃત મગર મળી આવ્યો હતો. કોઈ જાગૃત નાગરિકે બ્રિજ પરથી મગરને જોઈ વન વિભાગને જાણ કરી હતી. જેથી જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં નદીના કિનારા પર એક મગર પડ્યો હતો. તેની લંબાઈ આશરે સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી હતી. ત્યારબાદ એક 5 ફૂટનો મૃત મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 417 મગરો દેખાયા હતા. જોકે, છેલ્લા એક મહિનામાં 3 મગરના મોત થયા છે, ત્યારે 16 માર્ચ 2026ના રોજ 14 ફૂટના મગરના મોતને કારણે તેમના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થયા છે.

Share :

Leave a Comments