બરાનપુરામાં દબાણો પર પાલિકાનું જેસીબી ફર્યું, વોર્ડ 13-14માં ગેરકાયદે 5 ઓટલા અને 3 શેડ તોડી પડાયા

કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો

MailVadodara.com - Municipal-JCB-moved-in-Baranpura-due-to-pressure-5-illegal-huts-and-3-sheds-demolished-in-Ward-13-14

વડોદરા શહેરના મધ્યમાં આવેલા અને સતત ટ્રાફિકથી ધમધમતા બરાનપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે એક મોટી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બરાનપુરા ત્રણ રસ્તાના ચોકથી ચોખંડી તરફ જતા માર્ગ પર આવેલા વોર્ડ નંબર 13 અને 14ના રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી હતી.

પાલિકાની દબાણ શાખાની ટીમે સ્થાનિક રહિશો અને દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા પાંચ પાકા ઓટલા અને ત્રણ મોટા શેડ પર બુલડોઝર ફેરવી દઈને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવ્યો હતો. આ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા ઓચંતી શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. દબાણ વિરોધી કામગીરી શરૂ થતાં જ આસપાસના સ્થાનિક વેપારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. કેટલાક તત્વોએ પાલિકાની આ કડક કાર્યવાહીનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તુરંત જ મામલો થાળે પાડ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવીને તેમજ કડક વલણ દાખવીને ત્યાંથી ખદેડી મૂક્યા હતા.


આ દબાણ હટાવો ઝુંબેશને કારણે બરાનપુરા અને ચોખંડી વચ્ચેના મુખ્ય માર્ગ પર વાહન-વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. બુલડોઝરની કામગીરી અને લોકોના ટોળાને લીધે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદે ઓટલા અને શેડ તોડી પાડવાની સાથે રસ્તા પર અડચણરૂપ બનેલો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે એક આખી ટ્રક ભરાય તેટલો સામાન કબજે કરીને પાલિકાની કસ્ટડીમાં જમા લેવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગયા હતા. તેઓએ ત્યાં જોતા આ દબાણો હોવાનું જણાયું હતું અને અધિકારીઓને તાત્કાલિક દબાણો દૂર કરવા આદેશ કર્યા હતા. ત્યારે એવા સવાલો ઊભા થયા છે કે જો કમિશનરને આ દબાણો દેખાયા તો અધિકારીઓને આ દબાણ કેમ દેખાતા નથી? શું અધિકારીઓની પણ મિલીભગત તો નથી ને તેવા પણ સવાલ ઊભા થયા છે. પાલિકા તંત્રે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા માટે આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

Share :

Leave a Comments