વાઘોડિયાના દખેડા ગામ પાસે પૂરપાટ ઝડપે જતાં ડમ્પરે બાઇકને ટક્કર મારતા દંપતિનું સ્થળ પર મોત

દખેડાથી વાઘોડિયા જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં અકસ્માત થયો

MailVadodara.com - Couple-dies-on-the-spot-after-speeding-dumper-hits-bike-near-Dakheda-village-in-Waghodia

- નોકરી પરથી છૂટયા બાદ દંપતી વાઘોડિયા જતું હતું : અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં ગોજારો અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું પણ મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ, વાઘોડિયા તાલુકાના દંખેડા ગામમાં રહેતા ચન્દ્રકાંતભાઇ વસાવા (ઉ.વ.૫૦) એપોલો ટાયર કંપનીમાં નોકરી કરતા હતાં. આજે સાંજે તેઓ નોકરી પરથી નીકળ્યા બાદ પત્ની હંસાબેન વસાવા (ઉ.વ.૪૫)ને સાથે લઇને બાઇક પર વાઘોડિયા જવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન તેઓ ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ ઝડપે જતાં એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેને લઈ પત્નીનું પણ મોત થયું છે.


અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. લોકોની ભીડ જોતાં ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે જ છોડી દીધું અને ફરાર થઈ ગયો. વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.

Share :

Leave a Comments