- સુરક્ષાની દૃષ્ટિએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા SRPની ટુકડી ડિમોલિશન સ્થળે તૈનાત કરાઇ હતી
- વાહનવ્યવહારને સરળ બનાવવાના હેતુથી આ મેગા ઓપરેશન હાથ ધર્યું

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઇન રોડ પર મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન રોડ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા કાચા-પાકા યુનિટો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દબાણ શાખાએ કુલ 45 જેટલા કાચા-પાકા ગેરકાયદેસર દુકાનો અને ઘર જમીનદોસ્ત કરી રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે.


શહેરનો અટલાદરા વિસ્તાર ઝડપી ગતિએ વિકસી રહ્યો છે. અહીં વાહનોની સંખ્યામાં સતત વધારો થતાં ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. રોડ કિનારે ગેરકાયદે ઉભી કરાયેલી દુકાનો, લારી-ગલ્લા અને છાપરાંઓને કારણે વાહનવ્યવહારમાં અડચણો વધી હતી. આ બાબતે સ્થાનિક રહીશો તથા વેપારીઓ તરફથી પાલિકામાં વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોના પગલે પાલિકાની દબાણ શાખાએ આજે કાર્યવાહી હાથ ધરી છે.


આ કાર્યવાહીમાં 5 જેટલા બુલડોઝર, JCB મશીન તથા કાટમાળ ભરવા માટેના ટ્રક-ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સુરક્ષાની દૃષ્ટિએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા SRPની ટુકડી ડિમોલિશન સ્થળે તૈનાત કરવામાં આવી હતી. વીજળીના તાર દૂર કરવા મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમ તથા ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી હતી. દબાણ હટાવ અભિયાનની જાણ થતાં સ્થાનિક લોકો તથા દુકાનદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા પરંતુ, પોલીસે સમજાવટ કરી તેઓને દૂર ખસેડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ તમામ ગેરકાયદે દબાણો અંગે વર્ષો પહેલાં કોર્ટમાં કેસો ચાલી રહ્યા હતા પરંતુ, કોર્ટનો અંતિમ ચુકાદો આવે તે પહેલાં જ પાલિકા તંત્રએ વાહનવ્યવહારને સરળ બનાવવાના હેતુથી આ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીથી અટલાદરા-સ્વામિનારાયણ મંદિર રોડ પર વધતી ટ્રાફિક સમસ્યાથી ભવિષ્યમાં લોકોને રાહત મળશે.


