- ટાગોર ભવન-બી હોસ્ટેલના રૂમ નં. 204માં ચાદર વડે વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
- બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ગમગીની, આત્મહત્યા કારણ અકબંધ, પોલીસે ફોન જપ્ત કર્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં B.techનો અભ્યાસ કરતા મુંબઈના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે હોસ્ટેલની વ્યક્તિએ પોલીસને જાણ કરતા વાઘોડિયા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીનો ફોન જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારુલ યુનિવર્સિટીના ટાગોર ભવન-બી હોસ્ટેલના રૂમ નંબર 204માં મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી મીત જગદીશ પટેલ (ઉં.વ. 21) રહેતો હતો અને B.techનો અભ્યાસ કરી રહ્યો હતો. અગમ્ય કારણોસર મીત પટેલે પોતાની જ રૂમમાં પંખાના હૂક સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાથી યુનિવર્સિટી પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. રજનીશ રૂપસિંઘ પરમાર નામના વ્યક્તિએ તાત્કાલિક વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા સાથી વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ અંગે વાઘોડિયા પોલીસ મથકના તપાસ અધિકારી ડી. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આત્મહત્યા મામલે અમે તાપસ કરી રહ્યા છીએ. વિધાર્થી મુંબઈનો છે અને બી-ટેકમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. તેના વાલીને જાણ કરતા તેઓ આજે આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીના મૃતદેહને પિતાને સોંપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી પાસેથી આત્મહત્યા બાબતે કઈ મળ્યું નથી, પરંતુ તેનો મોબાઈલ કબજે કરી ફોરેન્સિક તપાસ અર્થે મોકલવામાં આવશે. બાદમાં આ આત્મહત્યા અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે.


