વડોદરામાં 150 વર્ષ જૂની પ્રતાપનગર નવગ્રહ વાવની મેગા સફાઈ ઝુંબેશ શરૂ, મ્યુનિ. કમિશનર પણ જોડાયા

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરોને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કરાયું

MailVadodara.com - Mega-cleaning-campaign-of-150-year-old-Pratapnagar-Navgrah-Vav-begins-in-Vadodara-Municipal-Commissioner-also-joins

- વાવની સ્થિતિ ગંભીર હોવાથી સમગ્ર કચરો તબક્કાવાર દૂર કરાશે

- બે માળ જેટલો કચરો અને કાટમાળ કાઢ્યો, 40 વર્ષથી અહીં કચરો નાખવામાં આવતો હતો, બધો જ કચરો સાફ કરાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરોને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 150 વર્ષ જૂની પ્રતાપનગર સ્થિત નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરોની સફાઈ અને જાળવણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કામગીરી રામદૂત ફાઉન્ડેશન તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો અને કોર્પોરેશનના સ્ટાફે જોડાઈ વાવની સફાઈ શરૂ કરી હતી. આ પ્રસંગે અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈ દરમિયાન વાવમાંથી મોટા પ્રમાણમાં ડેબ્રિસ, પ્લાસ્ટિક તથા અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.


મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વાવની સ્થિતિ ગંભીર હોવાથી સમગ્ર કચરો તબક્કાવાર દૂર કરવામાં આવશે. સાથે જ આગામી દિવસોમાં શહેરની અન્ય હેરિટેજ બિલ્ડિંગો અને ઐતિહાસિક સ્થળોની પણ સફાઈ, સંરક્ષણ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન સફાઈ કર્મચારીઓ, કોર્પોરેશન સ્ટાફ અને સંસ્થાના વોલેન્ટિયરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનના કાર્યકર્તા જૈનમ જોષીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી આ સફાઈ અભિયાન ચલાવી રહ્યા છીએ. અમે ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના લોકોને આ કાર્ય માટે જોડ્યા છે. લોકો પોતાની ઈચ્છાથી અહીં 'શ્રમદાન' આપવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીં લગભગ બે માળ જેટલો કચરો અને મલબો ભરેલો હતો, જે અમે અત્યાર સુધીમાં ખાલી કર્યો છે. જેમ જેમ અમે સીડીઓથી નીચે જઈશું, તેમ તેમ સિક્વન્સમાં બધો જ કચરો સાફ કરતા જઈશું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આસપાસના લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે આશરે છેલ્લા 40 વર્ષથી અહીં કચરો નાખવામાં આવતો હતો. એવું પણ કહેવાય છે કે, કેટલાક લોકોએ જાણી જોઈને કન્સ્ટ્રક્શન વેસ્ટથી ભરેલી ટ્રોલીઓ અહીં ખાલી કરી હતી. અમે કૂવામાં 15-20 કિલોનો પથ્થર નાખીને તેની ઊંડાઈ માપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પથ્થર તરત જ સપાટી પર અટકી ગયો, જે દર્શાવે છે કે કૂવામાં પણ મોટા પ્રમાણમાં કચરો ભરાયેલો છે.

તેઓએ કહ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય આને એક પ્રોપર 'હેરિટેજ સ્ટ્રક્ચર' તરીકે સાચવવાનો છે. 'રામદૂત રિસ્ટોર્સ' દ્વારા આવા જે પણ પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, જેનું ધાર્મિક કે ઇકો-સિસ્ટમની દ્રષ્ટિએ મહત્વ છે, તેનું સંરક્ષણ કરવામાં આવશે. અમે આના મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવાના નથી, પરંતુ ઉપરથી તેને પ્રોપર બેરિકેડિંગ કરીશું જેથી ભવિષ્યમાં ફરીથી કચરો ન ભરાય. લોકો આ ઐતિહાસિક વારસાને નિહાળી શકે અને તેની ગુણવત્તા સમજી શકે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.

Share :

Leave a Comments