- સ્થાનિકો દ્વારા સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં રસ્તો નહીં તો વેરો નહીં... જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ -પ્રદર્શન કર્યું
શહેરના ઇલેક્શન વોર્ડ નંબર-8માં મુખ્ય માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. સ્કૂલમાં જતાં બાળકો, સિનિયર સિટીઝન અને દિવ્યાંગો સહિત લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. સ્થાનિકો દ્વારા સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં રસ્તો નહીં તો વેરો નહીં... જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ -પ્રદર્શન કર્યું હતું.

પ્રવર્તમાન ચોમાસામાં શહેરના માર્ગોનુ મોટાપાયે ધોવાણ થયું છે. ઇલેક્શન વોર્ડ નંબર-8 વિસ્તારમાં મુખ્ય માર્ગો પર સારો રસ્તો ઓછો અને ખાડા વધારે પડી ગયા છે. સ્થાનિક લોકો દ્વારા રસ્તાનું સમારકામ કરવા માટે અનેક વખત વોર્ડ ઓફિસ, સ્થાનિક કાઉન્સિલરો તેમજ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ ન થતાં સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીની આગેવાનીમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. અશોક વાટીકા પાસે આયોજીત રસ્તા માટેના પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર-8માં આવેલ મુખ્ય માર્ગોનુ મોટાપાયે ધોવાણ થયું છે. સારો રસ્તો ઓછો અને ખાડા વધારે પડી ગયા છે. સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખરાબ રોડના કારણે નારાયણ નગર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી, કુંજ સોસાયટી, ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્સ, રાયજીપુરા, આશીર્વાદ સોસાયટીના તમામ રહીશોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. મુખ્ય રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.

વધુમાં જણાવ્યું કે, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ત્યાં જ રહેતા હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી. વિસ્તારના સિનિયર સિટીઝનનો, બાળકોને સ્કૂલે જવામાં તેમજ દિવ્યાંગ લોકોને પણ અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ અંગે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સયાજીગંજના ધારાસભ્યને પણ જાણ કરેલ છે. તેમ છતાં કોઈ નિકાલ ન આવતા વિરોધ કરવાની ફરજ પડી છે. જો આ રોડની કામગીરી વહેલીતકે કરવામા નહીં આવે તો ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી.


