- ડો.ભરત પટેલે કહ્યું, આ કાપડ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા જેવા મચ્છરજન્ય રોગો સામે સલામત, કાપડનો ઉપયોગ મચ્છરદાની, કપડાં કે પડદા તરીકે થઈ શકશે
પર્યાવરણને અનુકૂળ અને સલામત વિકલ્પની શોધમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગની ટીમે લીલી ચહાના પત્તા (લેમનગ્રાસ), લીમડો અને તુલસીના કુદરતી અર્કનો ઉપયોગ કરીને એક એવું સુતરાઉ કાપડ વિકસાવ્યું છે જે મચ્છરોને 85 ટકા સુધી દૂર રાખે છે, સાથે જ એન્ટિમાઇક્રોબાયલ અને યુવી રક્ષણના ગુણ પણ ધરાવે છે.

આ સંશોધનનું નેતૃત્વ ડો.ભરત એચ.પટેલે કર્યું છે, જ્યારે સહ-માર્ગદર્શક દેવાંગ પી.પંચાલ અને વિદ્યાર્થી સંશોધક જયંત પાટીલે મહત્વનું યોગદાન આપ્યું છે. સંશોધનમાં પેડ-ડ્રાય-ક્યોર પદ્ધતિથી કોટન કાપડ પર આ ત્રણેય વનસ્પતિઓના અર્કનું મિશ્રણ લગાવવામાં આવ્યું હતું.
પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સારવાર કરાયેલ કાપડ મચ્છરો સામે 85 ટકા સુધીની રિપેલન્સી (ભગાડવાની ક્ષમતા) દર્શાવે છે. તેની સાથે કાપડમાં બેક્ટેરિયા- વિરોધી ગુણ અને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવવાની ક્ષમતા પણ જોવા મળી છે. આ કાપડ પૂરેપૂરું બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ હોવાથી રાસાયણિક જંતુનાશકોનો વિકલ્પ બની શકે છે.
ડો.ભરત પટેલે જણાવ્યું હતું કે, આ કાપડ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા જેવા મચ્છરજન્ય રોગો સામે સલામત અને ટકાઉ રક્ષણ આપી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રાસાયણિક રિપેલન્ટની પહોંચ મર્યાદિત છે, ત્યાં આ કાપડનો ઉપયોગ મચ્છરદાની, કપડાં કે પડદા તરીકે થઈ શકે છે.


