- બંને પક્ષોમાં પ્રચાર મર્યાદિત રહ્યો, ભાજપના કાર્યકરોમાં છૂપો રોષ
- બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ કરવા ખાતર જ કરવામાં આવતો હોવાનું જણાઈ રહ્યું છે!!
વડોદરા માંજલપુર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. જો કે આ પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને નીરસ જણાઈ રહ્યું છે. કાર્યકરોમાં પણ જોઈએ તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. આ વિસ્તારમાં બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ કરવા ખાતર જ કરવામાં આવતો હોવાનું જણાઈ રહ્યું છે.
માંજલપુર વિધાનસભાની બેઠક માટે ભાજપે છાણીના સતીશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જો કે, ભાજપના કાર્યકરોને આયાતી ઉમેદવાર સ્વીકાર્ય નથી. પક્ષની સામે કોઈ કાર્યકર ખુલીને બોલવા તો તૈયાર નથી, પરંતુ તેની અસર પ્રચારમાં સ્પષ્ટ જણાઈ રહી છે. તાજેતરમાં ભાજપ દ્વારા રેલી અને કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકરોને જે કામગીરી સોંપવામાં આવી હતી અને વધુ ને વધુ લોકોને લાવવા જણાવવામાં આવ્યું હતું તેમાં પણ કેટલાક આગેવાનોએ ગાળિયો કાઢ્યો હતો.
માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ પેટા ચૂંટણી કોંગ્રેસ લડવા ખાતર જ લડતી હોય તેવો માહોલ જોવા મળે છે. કાર્યકરો તદ્દન નિરુત્સાહી જોવા મળે છે. શહેર પ્રમુખ અને એક બે આગેવાનોને બાદ કરતા પ્રચાર કાર્યમાં પણ કોઈ દેખાતું નથી. જો કે કોંગ્રેસ પાસે કાર્યકરોની સંખ્યા નથી તે અલગ બાબત છે, પરંતુ જે છે તેઓ પણ નિરુત્સાહી લાગી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર સતીશ પટેલની નિમણુંક થયા બાદ સ્થાનિક નેતાગીરીમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. કારણ કે આ બેઠક ઉપર સ્વ. યોગેશ પટેલ પણ કોર્પોરેટરની ચૂંટણી વખતે કહેતા હતા કે બહારના ઉમેદવારને ચલાવી ન લેવાય ત્યારે તેઓના સ્થાને જ આયાતી ઉમેદવારને મુકવામાં આવ્યા છે. જો કે કેટલાક આગેવાનોએ આ ઉમેદવારને નાઈટ વોચમેન તરીકે ગણાવ્યા છે અને આગામી 2027માં કઈ અલગ ચિત્ર હશે તેમ તેઓનું માનવું છે. આગેવાનોએ આમ મન મનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.


