- ઈજાગ્રસ્ત પક્ષીને નજીકના પક્ષી બચાવ કેન્દ્ર પર પહોંચાડો; ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૩૬ અથવા મોબાઈલ નંબર ૯૪૨૯૫ ૫૮૮૮૩/૮૬ પર જાણ કરો
ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ થકી સમગ્ર રાજ્યમાં તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરૂણા અભિયાન- ૨૦૨૬ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા વન વિભાગે પક્ષીઓની તાત્કાલિક સારવાર અને સુરક્ષા માટે વિશેષ કંટ્રોલ રૂમ તેમજ હેલ્પલાઇન નંબર કાર્યરત કરી, ઘાયલ પક્ષીઓને નવજીવન આપવા માટે વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાની સાથે જાહેર જનતાને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.
ઉત્તરાયણના પર્વની આનંદ ઉલ્લાસ સાથે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણા અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ બચી શકે છે. વડોદરા વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સાથે જ ટોલ ફ્રી નંબર અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. આપના વિસ્તારમાં કોઈપણ ઈજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાણાવાળા પૂંઠાના બોક્ષમાં કે બાસ્કેટમાં રાખી નજીકના પક્ષી બચાવ કેન્દ્ર ઉપર પહોંચાડવા જાહેર જનતાને અપીલ કરી છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન આટલું કરીએ
- ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવીએ
- વૃક્ષો/ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઈનથી દૂર પતંગ ચગાવીએ
- ઘાયલ પક્ષીને જોતાં તરત જ નજીકના સારવાર/બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ
- ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાંણાવાળા પૂંઠાના બોક્ષમાં રાખી ત્વરિત સારવાર કેન્દ્ર પર પહોંચાડીએ
- ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ
- ઘાયલ પક્ષીને રેસ્ક્યુ કરવા સમયે ગ્લોવ્ઝનો ઉપયોગ કરીએ
આટલું ન કરીએ
- સવારે નવ વાગ્યા પહેલા કે સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ
- ક્યાયેય પણ તુક્કલ ન ચગાવીએ
- ચાઈનીઝ, સિન્થેટીક કે કાચની દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ
- ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકીએ
- રાત્રિના સમયે ફટાકડા ન ફોડીએ
- ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ તથા ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ
તદુપરાંત, ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે વડોદરા વન વિભાગે પ્રકૃતિ પ્રેમી અને પક્ષી પ્રેમી વડોદરાવાસીઓને અપીલ કરી છે કે, ઉત્તરાયણની મજા પક્ષીઓના જીવને જોખમરૂપ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. સાથે જ જો કોઈને ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૩૬ (વડોદરા કક્ષાનો, જે સયાજીબાગ નર્સરી અને રેસ્ક્યુ સેન્ટર ખાતે કોલ સેન્ટર કાર્યરત છે) પર તથા મોબાઈલ નંબર - ૯૪૨૯૫ ૫૮૮૮૩ / ૯૪૨૯૫ ૫૮૮૮૬ પર જાણ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર ૧૯૨૬ તથા મોબાઈલ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર વ્હોટ્સએપ પર Hi લખી મોકલવા અથવા મિસકોલ કરવા અનુરોધ કર્યો છે.


