- પરિવાર બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનનો નકૂચો તોડી તિજોરી સાફ કરી
- તસ્કરો સીસીટીવીમાં કેદ, ફૂટેજના આધારે બાપોદ પોલીસે તપાસ તેજ કરી
વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજવા રોડ વિસ્તારમાં એક ટ્યુશન સંચાલક વૈષ્ણવદેવી ફરવા ગયા હોય છે અને તે દરમ્યાન બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,00,000ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અજાણ્યા ચોર ઇસમો આવતા જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

આજવા રોડ પર આવેલ રાજદીપ ટેનામેન્ટમાં રહેતા અને ટ્યુશન એકેડમી ચલાવતા પંકજભાઈ સુરેશચંદ્ર શર્મા ગત 29 એપ્રિલ, 2026ના રોજ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવી દર્શન કરવા માટે ગયા હતા. તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. 06 મે, 2026ના રોજ સવારે તેમના બનેવી રાહુલભાઈ શર્માએ ઘરનું તાળું તૂટેલું જોતા પંકજભાઈને ફોન પર જાણ કરી હતી. જે બાદમાં તેઓ તાત્કાલિક વૈષ્ણવદેવીથી વડોદરા પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને બેડરૂમમાં રહેલી લોખંડની તિજોરીમાંથી કિંમતી દાગીના તથા રોકડ ગાયબ હતા.
જેમાં સોનાના દાગીનામાં 2 મંગળસૂત્ર, 2 વીંટી, 3 ચેઈન, 2 પેન્ડલ, 4 જોડ કાનની બુટ્ટી અને 3 ટીકા (કુલ આશરે 54 ગ્રામ સોનું), ચાંદીના દાગીના દાગીનામાં કંદોરો, માળા, પાયલ અને ઝુડો (આશરે 500 ગ્રામ) અને રોકડ રકમ 1,50,000 રોકડા સાથે કુલ 5 લાખની મતા ચોરી થતા બાપોદ પોલીસ મતદાનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની જાણ થતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સોસાયટી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા તસ્કરો કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે. પોલીસે આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


