વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓનો પગાર અટકાવાયો

તલાટી કમ મંત્રીના પગાર અટવાતા યુનિયન પ્રમુખ સહિત આગેવાનોએ DDOને રજૂઆત કરી

MailVadodara.com - In-Vadodara-district-the-salaries-of-many-Talatis-were-stopped-as-the-revenue-collection-target-was-not-met

- જિલ્લામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં ગણગણાટ સાથે રોષ ફેલાયો, જિલ્લા વિકાસ અધિકારી આશ્વાસન આપ્યું

વડોદરા જિલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા અનેક તલાટી કમ મંત્રીના પગાર અટવાતા આજે યુનિયન પ્રમુખ સહિત આગેવાનો જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જિલ્લામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં ગણગણાટ સાથે રોષ ફેલાયો હતો.


વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓને પ્રતિ માસ વેરા વસુલાતનો એક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાંથી 60થી 70 ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આમ છતાં પણ જો કોઈ તલાટી કમ મંત્રી ટાર્ગેટ પૂરો ના કરી શકે તો તેનો પગાર અટકાવી દેવામાં આવે છે. જેથી સરકારના આવા પગલાથી તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી.


આ અંગેની મૂળ વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ બાકી મહેસૂલ વેરો ના ભરતો હોય તો એની સામે પગલાં લેવા જોઈએ એને બદલે તંત્ર દ્વારા વેરાની વસૂલાત કરવાનો પ્રયત્ન કરનારા સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાય તે કેટલે અંશે વ્યાજબી હોવાનું તલાટી કમ મંત્રીઓ કહી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓ રજાના દિવસે પણ ડોર ટુ ડોર ઉઘરાણી કરે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે બાકીદારોની સગવડ માટે કેમ્પનું પણ આયોજન કરીને વેરો ભરવા બાકીદારોને સૂચન પણ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ વેરો ના ભરે તો એમાં તલાટી કમ મંત્રીઓનો શું વાંક કહેવાય?

આમ સરકારી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાના કર્મચારીઓના પગાર અટકાવી દેતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આજે વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાન ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેઓ તરફથી હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હોવાનું યુનિયન પ્રમુખે જણાવ્યું હતું.

Share :

Leave a Comments