- બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો, પરિવારમાં શોકનું મોજું
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી 14 વર્ષની બાળકી બાલ્કનીમાં સૂકવેલા કપડા લેતા પાંચમાં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓને લઈ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. આ મામલે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલી સિદ્ધનાથ પેરેડાઈઝ નામના એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષીય ધ્રુવિબેન અમિતકુમાર શાહ ગત રાત્રે 8 વાગ્યા બાદ મકાનની બાલ્કનીમાં સૂકવેલા કપડા લેવા માટે ગઈ હતી. દરમ્યાન એક કપડું મકાનના વાછેટિયા પર પડતા તે લોખંડની ગ્રિલ પકડી લેવા ગઈ હતી. આ દરમ્યાન ગ્રિલ છુટી જતા મકાનના પાંચમાં માળેથી પડતા પ્રથમ સારવાર માટે નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ટૂંકી સારવાર બાદ બાળકીને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના ને લઈ બાપોદ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ બાળકીના મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરીવાડ્યું છે. બાળકોનો પરિવાર હાલમાં કઈ પણ બોલવા તૈયાર નથી. આ કિસ્સા પરથી કહી શકાય કે આવા નાના બાળકોને આવી જગ્યાએ ન મોકલવા જોઈએ. આ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. મૃતક બાળકી ધોરણ નવમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. તેને એક નાનો ભાઈ છે. હાલમાં આ મામલે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


