કંડારી ગામના જૈન મંદિરમાંથી મૂર્તિઓ અને રોકડ મળી 20.80 લાખની મતા ચોરનાર 5 આરોપીની ધરપકડ

ચોરોએ ભગવાનની મૂર્તિઓ, ચાંદીના સિંહાસનો અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી

MailVadodara.com - Idols-and-cash-found-in-Jain-temple-in-Kandari-village-5-accused-arrested-for-stealing-votes-worth-Rs-20-80-lakh

- એક પંચધાતુની ભગવાનની મૂર્તિ, ચાંદીની ઓગળેલી મૂર્તિ, પાંચ ચાંદીના સિંહાસનો, એક ચાંદીનો હાથ, 1.3 લાખ રોકડ મળી અંદાજિત 17થી 18 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

- મુખ્ય આરોપીએ 20 દિવસ કરજણમાં એક સાઈટ પર મજૂર તરીકે નોકરી શરૂ કરી આ મંદિરની રેકી કરી હતી, ત્યારબાદ સહ-આરોપીઓને દાહોદથી ટ્રેન મારફતે બોલાવી ચોરી કરી હતી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં સોનુ ઓગળવામાં મદદ કરનાર સોની વેપારીનો પણ સમાવેશ થાય છે. આ ટોળકી જૈન મંદિરના ગર્ભવૃહમાંથી ભગવાનની અતિ કિંમતી ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમ મળી રૂ. 20.80 લાખ મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી જૈન મંદિરને ટાર્ગેટ બનાવતી હતી. અગાઉ અમદાવાદમાં પણ જૈન મંદિરમાં ટોળકીએ ચોરી કરી હતી.

વડોદરા જિલ્લા એસ.પી. સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક જૈન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ચોરોએ ભગવાનની મૂર્તિઓ, ચાંદીના સિંહાસનો અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વડોદરા ગ્રામ્ય LCB, કરજણ પોલીસ અને SOGની સંયુક્ત ટીમે આ કેસની તપાસ હાથ ધરી હતી. આ ટીમે આ ચોરીનો ભેદ ઉકેલીને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 3 મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ રિકવર કરવામાં આવી છે. 10.8 કિલોગ્રામ ચાંદીની ઓગળેલી મૂર્તિ, પાંચ ચાંદીના સિંહાસનો (અંદાજિત 8 કિલોગ્રામ)અને એક ચાંદીનો હાથ પણ રિકવર કરવામાં આવ્યો છે. દાનપેટીમાંથી ચોરાયેલી રોકડમાંથી 1.3 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા છે. મુદ્દામાલની અંદાજિત કિંમત 17થી 18 લાખ રૂપિયા છે. એક સ્ટોનની મૂર્તિની રિકવરી માટે પોલીસને દાહોદમાં લીડ્સ મળી છે અને તેની શોધખોળ ચાલુ છે.

તેઓએ ઉમેર્યું હતું કે, આરોપીઓ દાહોદના રહેવાસીઓ છે અને તેઓ ભૂતકાળમાં પણ આવા ગુનાઓ આચરી ચૂક્યા છે. તેઓ એકબીજાની નજીકના ગામોમાં રહે છે. મુખ્ય આરોપીએ 20 દિવસ અગાઉ કરજણમાં એક સાઈટ પર મજૂર તરીકે નોકરી શરૂ કરી હતી અને આ મંદિરની રેકી કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સહ-આરોપીઓને દાહોદથી ટ્રેન મારફતે બોલાવીને આ ગુનો આચર્યો હતો.

તેઓએ કહ્યું કે, આ ગેંગ મુખ્યત્વે રાજ્યના જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી. તેઓ મજૂરી કે નોકરીના બહાને વિસ્તારમાં જઈને મંદિરોની રેકી કરતા અને પછી ચોરીનું આયોજન કરતા. આ ગેંગે ઓગસ્ટ મહિનામાં અમદાવાદના એક જૈન દેરાસરમાં પણ ચોરી કરી હતી, જેનું ડિટેક્શન પણ પોલીસે કર્યું છે. પોલીસે 450થી વધુ કોલ ડેટા રેકોર્ડ્સનું વિશ્લેષણ કર્યું અને વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી. આ ઓપરેશનમાં 120થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા. અત્યાર સુધીમાં 90% મુદ્દામાલ રિકવર થઈ ચૂક્યો છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં રાહુલ લાલચંદ મેડા (ઉ.વ.20 રહે.નંઢેલાવ કાંગણી ફળીયું તા.ગરબાડા જિ.દાહોદ), વિકેશ વનજી મેડા (ઉ.વ.26 રહે.નાંઢેલાવ કંગની ફળીયું તા.ગરબાડા જી.દાહોદ), અરવિંદ ખુમસિંગ ભાભોર (ઉ.વ.29 રહે છરછોડા ખેડા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ), હિરજી ઉર્ફે હિરાભાઈ રામાભાઈ બીલવાડ (ઉ.વ.57 રહે.જાલત નાકા ફળીયું તા.જી.દાહોદ) અને નીલેશ શાંતિલાલ પંચાલ (ઉ.વ.47 રહે.બાપુનગર સોસાયટી, સ્વામિનાયારણ મંદિરની બાજુમાં તા.જી.દાહોદ)ની ધરપકડ હતી.

Share :

Leave a Comments