- સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિ અંબાલાલ સોલંકીએ પત્નીના મોઢા અને છાતી પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં ગત મોડી રાત્રે ઘરકંકાસમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ અંબાલાલ સોલંકીએ પત્નીના મોઢા અને છાતી પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.



ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડઅપ કરી લીધો છે, જ્યારે FSLની મદદથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં ગત મોડી રાત્રે હચમચાવતી હત્યાની ઘટના બની હતી. પતિ અંબાલાલ સોલંકીએ પોતાની જ પત્ની રીટાબેન સોલંકી પર વ્હેમ રાખીને છાતી અને મોઢાના ભાગે છરીના ચારથી પાંચ ઘા મારી હત્યા કરી નાખી હતી. મૃતક મહિલા લોહીથી લથપથ થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.


DCP ઝોન-4 એન્ડ્ર્યુ મેકવાને પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેઓએ કહ્યું કે, પોલીસની ટીમોએ અહીંયા પહોંચી તપાસ હાથ ધરી છે. FSL ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી છે. જેથી ઘટનાસ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ મામલે નવાપુરા પોલીસ માથકના PI બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનામાં પતિએ જ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી હોવાનું હાલ સુધીમાં સામે આવ્યું છે. આરોપીને અમે રાઉન્ડઅપ કર્યો છે.



