ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડોદરા જિલ્લા કક્ષાનું ટપાલ ટીકીટ પ્રદર્શન વડોપેક્ષ ૨૦૨૬નું આયોજન અકોટા અતિથિ ગૃહ, અકોટા, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનો ભવ્ય શુભારંભ વડોદરા રીજનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, નિવૃત્ત ઇસરો વૈજ્ઞાનિક ડૉ. પુનિત દીક્ષિત, ફિલેટેલિક સોસાયટીના પ્રમુખશ્રી પ્રશાંત પંડ્યા સહિત ટપાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, ટપાલ ટીકીટ સંગ્રાહકો તથા મોટી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહ્યા હતા.

વડોપેક્ષ ૨૦૨૬ ટપાલ ટીકીટ પ્રદર્શન અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજની પ્રખ્યાત પીઠોરા ચિત્રકલાને સમર્પિત વિશેષ પોસ્ટ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પોસ્ટમાસ્ટર જનરલશ્રી દિનેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની સંસ્કૃતિ, આસ્થા અને નિષ્ઠાનું પ્રતિક એવી પીઠોરાસ ચિત્રકળાને ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કવર પર સ્થાન આપવું એ ચિત્રકળા તેમજ તેના ઇતિહાસ માટે ગૌરવની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આશરે ૮૦ જેટલી વિવિધ વિષયોને સમર્પિત ટપાલ ટીકીટોની ફ્રેમ રજૂ કરવામાં આવી છે, જે દર્શકો માટે જ્ઞાનવર્ધક સાબિત થશે.
આ સાથે ફિલેટેલિક સોસાયટી સભ્યો દ્વારા વડોદરા જિલ્લાની સૌથી જુની રાવપુરા પોસ્ટ ઓફિસના મકાનની તસ્વીરને પણ ભવિષ્યમાં સ્પેશિયલ પોસ્ટ કવર તરીકે પ્રકાશિત કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પોસ્ટમાસ્ટર જનરલશ્રીએ તેમા સંમ્મતિ દર્શાવી તેઓની માંગણીને વધાવી લીધી હતી.



વડોપેક્ષ ૨૦૨૬ પ્રદર્શનમાં અલભ્ય તથા અમૂલ્ય ટપાલ ટીકીટોના સંગ્રહ સાથે રેવેન્યુ ટીકીટો, થીમેટિક ટીકીટો, કવર સ્ટેશનરી, સ્ટેમ્પ, ઇનલેન્ડ કવર, સ્મૃતિ ચિઠ્ઠીઓ, યુઝ્ડ ચેક, ટ્રાવેલ ટીકીટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા જિલ્લાની ઓળખ, ઐતિહાસિક સ્થળો, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, આઝાદી પૂર્વની સ્ટેશનરી, ગાંધીજી, આરોગ્ય, બ્રિજ, રેલ્વે વગેરે વિષય આધારિત ટપાલ ટીકીટોના સંગ્રહ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
પીઠોરા ચિત્રકળાને સમર્પિત વિશેષ પોસ્ટ કવરનું વિમોચન કરવામાં આવ્યું છે. જે આદિવાસી સમાજ અને કલાકારો માટે ગર્વની ક્ષણ છે-પીઠોરા શૈલીના ચિત્રકાર પદ્મશ્રી પરેશભાઈ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના પીઠોરા શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર પદ્મશ્રી પરેશભાઈ રાઠવાએ આ અવસરે ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે ઇષ્ટદેવ તરીકે માનવામાં આવતા બાબા પીઠોરા તથા આદિવાસી સમાજના રીત-રિવાજ, સંસ્કૃતિ અને જીવનશૈલીનું જીવંત પ્રતિબિંબ પીઠોરા ચિત્રકળામાં જોવા મળે છે.



આ પરંપરાગત ચિત્રકળા મુખ્યત્વે ઘરની મુખ્ય દિવાલ પર દોરવામાં આવે છે અને હજારો વર્ષોથી આદિવાસી સમાજે તેને અમૂલ્ય વારસા રૂપે સંરક્ષિત રાખી છે. આજે ભારતીય ટપાલ વિભાગ અને ખાસ કરીને વડોદરા ડિવિઝન દ્વારા, પીઠોરા ચિત્રકળાને સમર્પિત વિશેષ પોસ્ટ કવરનું વિમોચન કરવામાં આવ્યું છે. જે આદિવાસી સમાજ અને કલાકારો માટે ગર્વની ક્ષણ છે. આ પહેલ દ્વારા પીઠોરા ચિત્રકળા દેશ-વિદેશ સુધી પહોંચશે અને આદિવાસી કળાને નવી ઓળખ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.



સંગ્રહકારોમાંથી એક શ્રી ઇન્દ્રવદન મહેતા-છેલ્લા લગભગ ૨૫ વર્ષથી ટપાલ ટીકીટો તથા સંબંધિત સામગ્રીનું ખરીદ-વેચાણ કરીને સક્રિય અને પ્રવૃત્તિમય જીવન જીવી રહ્યા છે.
આ પ્રદર્શનમાં ભાગ લીધેલા સંગ્રહકારોમાંથી એક શ્રી ઇન્દ્રવદન મહેતા વડોદરા જિલ્લાના દિવાળીપુરાના રહેવાસી છે. તેઓ નિવૃત્ત બેંક અધિકારી છે અને વર્ષ ૨૦૦૧થી ટપાલ ટીકીટ તથા સંબંધિત સામગ્રીના સંગ્રહમાં સક્રિય રીતે જોડાયેલા છે.


તેઓ પાસે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્ટેમ્પ પેપર, કવર, ઇનલેન્ડ કવર, સ્મૃતિ ચિઠ્ઠીઓ, યુઝ્ડ ચેક તથા ટ્રાવેલ ટીકીટોનો અલભ્ય અને મૂલ્યવાન સંગ્રહ ઉપલબ્ધ છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમય રહેવાના ઉદ્દેશથી તેમણે આ સંગ્રહને શોખ રૂપે શરૂ કર્યો હતો, જે આજે તેમના માટે આવકનું સાધન પણ બન્યું છે.
તેમણે પોતાના શોખ અંગે જણાવ્યું હતું કે, નિવૃત્તિ પછી ન્યુઝિલેન્ડની મુલાકાત દરમિયાન એક પ્રદર્શન જોઈને તેમને આ પ્રકારની સંગ્રહ પ્રવૃત્તિ પ્રત્યે રુચિ જાગી હતી. ત્યારબાદ તેઓ આ ક્ષેત્રમાં જોડાયા અને છેલ્લા લગભગ ૨૫ વર્ષથી ટપાલ ટીકીટો તથા સંબંધિત સામગ્રીનું ખરીદ-વેચાણ કરીને સક્રિય અને પ્રવૃત્તિમય જીવન જીવી રહ્યા છે.


