ભીલાપુર સ્થિત સરકારી આયુર્વેદિક દવાખાને એન્ટિ-મુલેરિયન હોર્મોન (AMH)ની સમસ્યા ધરાવતી મહિલાઓને માતૃત્વનો આનંદ અપાવ્યો

ડૉ. કૃતિકા ઠક્કરની સારવારથી આશરે આઠ મહિલાઓ માતૃત્વનો સુખદ અનુભવ કરી રહી છે

MailVadodara.com - Government-Ayurvedic-hospital-in-Bhilapur-brings-joy-of-motherhood-to-women-with-Anti-Mullerian-Hormone-AMH-problems

- મુંબઈની શિક્ષિકા ભીલાપુર આયુર્વેદિક દવાખાને કરાવેલી AMH સારવાર બાદ ગર્ભવતી


ભીલાપુર આયુર્વેદિક દવાખાનાનાં મેડિકલ ઓફિસર ડૉ. કૃતિકા ઠક્કર અનેક લોકો માટે આશાનું કિરણ બન્યાં છે. ખાસ કરીને માતૃત્વનો આનંદ મેળવવા ઇચ્છતી મહિલાઓ માટે તેઓ આશાનું કિરણ સાબિત થયાં છે. ખાનગી હૉસ્પિટલોમાં લાંબી સારવાર છતાં પરિણામ ન મળતાં અનેક મહિલાઓએ સરકારી આયુર્વેદિક પદ્ધતિ તરફ વળવું પડ્યું અને આજે તેઓ માતૃત્વના સુખથી પરિપૂર્ણ છે. મહિલાઓએ જણાવ્યું કે આયુર્વેદિક સારવારથી તેમનું AMH લેવલ સામાન્ય થયું અને ગર્ભધારણા શક્ય બની.


વિશ્વભરમાં વંધ્યત્વની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને અનેક દંપતીઓ સંતાન સુખ માટે અસરકારક ઉપાયો શોધી રહ્યા છે. આવા સમયમાં આયુર્વેદિક ચિકિત્સા એક સર્વાંગી અને કુદરતી ઉપચાર તરીકે ઉભરી આવી છે. આયુર્વેદ શરીર, મન અને આત્માના સંતુલન દ્વારા વંધ્યત્વના મૂળ કારણોને દૂર કરે છે. ખાસ કરીને એન્ટી-મુલેરિયન હોર્મોન (AMH)ના સ્તરમાં સુધારો લાવી મહિલાઓને ગર્ભધારણ માટે સક્ષમ બનાવે છે.


ભીલાપુર આયુર્વેદિક દવાખાનેથી સારવાર લીધા બાદ ગર્ભધારણ થયાના અનેક મહિલાઓએ સકારાત્મક અનુભવો શેર કર્યા છે. મુંબઈના રહેવાસી અને વ્યવસાયે શિક્ષિકા ૪૦ વર્ષીય રેખાબેન પટેલને પહેલેથી એક સાત વર્ષની દીકરી છે. બીજા સંતાન માટે અનેક પ્રયાસો કર્યા છતાં સફળતા ન મળી. અનેક ગાયનેકોલોજિસ્ટ્સની સારવાર બાદ પણ ફાયદો ન થયો અને તપાસમાં તેમનો AMH લેવલ ઓછો હોવાનું જાણવા મળ્યું. AMH ઓછું હોવાથી IVF અને IUI જેવી પ્રક્રિયાઓ શક્ય નહોતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં તેમણે ભીલાપુર સરકારી આયુર્વેદિક દવાખાનાના ડૉ. કૃતિકા ઠક્કરનો સંપર્ક કર્યો. યોગ્ય સારવાર અને સંભાળના પરિણામે આજે રેખાબેન ગર્ભવતી છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.


આવી જ એક બીજી ઘટના વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય પ્રિયંકા દર્શન સોલંકીની છે. ઓછા AMH અને થાઇરોઇડની સમસ્યાને કારણે તેઓ ગર્ભધારણ કરી શકતી ન હતી. ડૉ. કૃતિકા ઠક્કરની સારવાર બાદ આજે તેઓ એક સુંદર દીકરીની માતા બની છે. માતૃત્વનું સ્વપ્ન પૂરું કરાવવા બદલ તેમણે ડૉક્ટરનો આભાર માન્યો છે. ડૉક્ટર પ્રત્યેનો વિશ્વાસ એટલો છે કે તેઓ દર અઠવાડિયે વડોદરાથી ભીલાપુર તપાસ અને સારવાર માટે આવે છે. તેમની જેમ અનેક મહિલાઓ ભીલાપુર આયુર્વેદિક દવાખાને મળતી અસરકારક અને મફત સારવારથી માતૃત્વનો આનંદ માણી રહી છે. આ બધું ડૉ. કૃતિકા ઠક્કરના અવિરત પ્રયત્નોનું પરિણામ છે.


ડૉ. કૃતિકા ઠક્કરે જણાવ્યું કે, એક વર્ષમાં વડોદરા, અમદાવાદ અને મુંબઈ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ મહિલાઓ વંધ્યત્વની સારવાર માટે મારી પાસે આવી છે. ઓછા AMHને કારણે તેઓ ગર્ભધારણ કરી શકતી ન હતી. આયુર્વેદિક સારવારથી તેમનો AMH લેવલ વધ્યો અને આજે તેઓ માતૃત્વનો સુખદ અનુભવ કરી રહી છે. મુંબઈની રેખાબેન પટેલ બીજા સંતાનની ઈચ્છા સાથે આવી હતી. IVF અને IUI શક્ય ન હોવા છતાં આજે તેઓ સાત મહિનાની ગર્ભવતી છે. આવી અનેક માતાઓ ભીલાપુર કેન્દ્રની આયુર્વેદિક સારવારથી લાભ લઈ રહી છે.


ગર્ભધારણા સિવાય પણ ડૉ. કૃતિકા ઠક્કર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા અનેક દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની છે. તેઓ કહે છે, એપ્રિલ ૨૦૨૩માં ભીલાપુર આયુર્વેદિક દવાખાને મારી નિમણૂક થયા બાદ વિવિધ શહેરો અને રાજ્યોમાંથી આવતા દર્દીઓને હું સેવા આપી રહી છું. થાઇરોઇડ, ડાયાબિટીસ, પ્રોસ્ટેટ, કિડની, રીઢ, સર્વાઇકલ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા દર્દીઓ અહીં સારવાર લઈ સાજા થયા છે. છેલ્લા એક વર્ષમાં ઓછા AMH ધરાવતી મહિલાઓએ સંપર્ક કર્યો અને આજે તેઓ માતૃત્વનો આનંદ માણી રહી છે. રોજે રોજ આશરે ૭૦ દર્દીઓ અહીં આવે છે, જેમને મફત સારવાર અને પંચકર્મ થેરાપી આપવામાં આવે છે.


વંધ્યત્વની સફર અનેક દંપતીઓ માટે પડકારરૂપ હોય છે, પરંતુ આયુર્વેદિક ચિકિત્સા માતૃત્વ તરફનો એક કુદરતી અને સર્વાંગી માર્ગ પ્રદાન કરે છે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરીને અને વંધ્યત્વના વિવિધ કારણોને દૂર કરીને આયુર્વેદિક દવાખાનાઓ આશા અને આનંદ પ્રદાન કરે છે. કુદરતી ઉપચાર તરફ વધતી રુચિ વચ્ચે, આયુર્વેદ પ્રજનન સારવારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.

Share :

Leave a Comments