- સોનાની બે બંગડી, મોતીની માળા, સોનાનો પાટલો, કાનની 4 જોડ કડીઓ, ત્રણ સોનાની ચેઇન અને સોનાનું બ્રેસલેટ તેમજ રોકડ મળી 2.91 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા
વડોદરાના મકરપુરા વડસર રોડ પર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. પશ્ચિમ રેલવે વિભાગમાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા નિલેશ મુકેશભાઈ ખત્રીના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 2.91 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે મકાનમાલિક દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ, ફરિયાદી નિલેશભાઈ પોતાની માતા રેખાબેન સાથે રહે છે, જેઓ ગત તારીખ 1 ઓગસ્ટના રોજ પ્રસંગોપાત અમદાવાદ ગયા હતા. તારીખ 2 ઓગસ્ટના રોજ રાત્રે નિલેશભાઈ પોતાની નાઇટ શિફ્ટની નોકરી પર જવા માટે ઘરના મુખ્ય લાકડાના દરવાજાને તાળું મારી અને સેફ્ટી ગ્રીલની જાળી બંધ કરીને ગયા હતા. ત્યારબાદ તારીખ 3 ઓગસ્ટના રોજ સવારે નોકરી પરથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરની સેફ્ટી ગ્રીલ ખુલ્લી હતી અને મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘરમાં પ્રવેશ કરી તપાસ કરતા બેડરૂમમાં દિવાલ સાથે ફિટ કરેલી લાકડાની તિજોરી ખુલ્લી અને સામાન વેર-વિખેર પડેલો જોવા મળ્યો હતો. તિજોરી તપાસતા તેમાંથી વિવિધ વર્ષોમાં ખરીદાયેલા સોનાના દાગીના જેવા કે સોનાની બે બંગડીઓ, મોતીની માળા, સોનાનો પાટલો, કાનની 4 જોડ કડીઓ , ત્રણ સોનાની ચેઇન અને સોનાનું બ્રેસલેટ મળી આશરે 180 ગ્રામ સોનું તેમજ રૂ.રોકડ મળી 2,91,500ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
રેલવે કર્મચારીના ઘરને નિશાન બનાવી થયેલી આ ચોરીના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મકાનમાલિક નિલેશભાઈ ખત્રીની ફરિયાદના આધારે પોલીસે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


