- ફોરેસ્ટ વિભાગ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ મગરને નુકસાન પહોંચાડ્યા વગર ગ્રીલમાંથી બહાર કાઢી તેને ઢાઢર નદીમાં મુક્ત કરાયો હતો
પૂરના પાણી ઉતર્યા બાદ વડોદરાના પોર ખાતે આવેલ બળીયાદેવ મંદિરની પાછળ આવેલી ગ્રીલમાં ફસાઈ ગયેલા એક મગરને ફોરેસ્ટ વિભાગ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ઢાઢર નદીમાં મુક્ત કર્યો છે. ટીમોની સમયસરની સતર્કતા અને સંકલનને કારણે મગરને કોઈ પણ ઈજા પહોંચ્યા વગર ઉગારી લેવાતાં સ્થાનિકોએ આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
પૂરના પાણી ઓસરવાની સાથે બળીયાદેવ મંદિર પાછળ આવેલી ગ્રીલમાં એક મગર ફસાઈ ગયો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. બનાવ અંગે તાત્કાલિક સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ તથા તેમની ટીમ અને ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુયર નીતિન પટેલ, જીગ્નેશ પરમાર તથા સાગર રાઠોડ તાત્કાલિક રેસ્ક્યુ સાધનો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.
રેસ્ક્યુ ટીમે સ્થિતિની ગંભીરતા જોઈને ખૂબ જ સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરી હતી. લગભગ બે કલાકની ભારે મથામણ બાદ મગરને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર ગ્રીલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે તેના કુદરતી નિવાસસ્થાન એવા ઢાઢર નદીમાં છોડી દેવામાં આવ્યો હતો. સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમોએ દાખવેલી સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે મગરનો બચાવ શક્ય બન્યો હતો. સ્થાનિક રહીશોએ ટીમની આ સરાહનીય કામગીરી અને સતર્કતાની મુક્ત મને પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.


