- તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂ.77 હજારની મતા ચોરી ફરાર થઈ ગયા
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા અને આઇ ઓ ડબલ્યુ રેલવે ઓફિસમાં પેઇન્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પોતાના વતન ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂ.77 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પાડોશીએ ચોરીની જાણ કરતા મહિલા કર્મચારીએ પરત ઘરે આવી ફરિયાદ નોંધાવી હતી.
શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા ચંપાબેન જોગીભાઈ નાયકાએ ફરિયાદ નોંધાવી છે કે, હું પ્રતાપનગર ખાતે આવેલ આઈ ઓ ડબલ્યુ રેલ્વે ઓફિસમા ગ્રેડ-1 પેઈન્ટર તરીકે નોકરી કરી પરિવારનું જીવન ચલાવુ છું. મારા પતિનું વર્ષ 2013માં મોત થયુ છે. મારે બે દીકરીઓ અને એક છોકરો છે. મોટી દીકરી સાસરે રહે છે અને એક દીકરો-દીકરી અભ્યાસ કરે છે. ગત 20 ઓક્ટોબરનાં રોજ દિવાળીનો તહેવાર હોવાથી મારી નોકરી ઉપરથી બાર વાગ્યે ઘરે આવી બપોરના 2 વાગ્યે મારા મકાનના મુખ્ય દરવાજાને લોક મારી અને છોટાઉદેપુર ખાતે ગઈ હતી.
બીજા દિવસે 21 ઓક્ટોબરના સવારે અમારા બ્લોકમાં રહેતા અનિલભાઈએ અમારી સાથે નોકરી કરતા દિલીપભાઈએ ફોન કરીને મને જણાવ્યું હતું કે, તમો ક્યા છો તમારા ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં છે અને ઘરનાં મુખ્ય દરવાજાને મારેલું લોક તૂટેલું છે. જેથી અમે તાત્કાલિક છોટાઉદેપુરથી વડોદરા અમારા મકાન ખાતે આશરે દોઢેક વાગે આવ્યા હતા અને જોયું તો મકાનનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં હતો અ ને દરવાજો ખુલ્લો હતો, જેથી મેં મકાન બેડરૂમમાં તપાસ કરતા બેડરૂમમાં રાખેલ લોખંડની તીજોરીનાં દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનાં લોકર સમાન વેર વિખેર હતો. જેથી તસ્કરો મારી તિજોરીનાં પૈસા તથા દાગીના મળી રૂપિયા 77 હજારની માલમતા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે ગુનો નોધી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.


