હોળી-ધૂળેટીના રંગોત્સવને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા વધારાની 1300 બસો દોડાવાશે

27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 7500 ટ્રિપ્સનું આયોજન, પોતાના વતન પરત લોકોને ફાયદો થશે

MailVadodara.com - GSRTC-to-run-1300-additional-buses-in-view-of-Holi-Dhuleti-festival-of-colors

- ડાકોર અને દ્વારકા માટે 450 બસો મારફતે આશરે 3500 ટ્રિપ્સનું વિશેષ સંચાલન કરાશે

- અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા મુખ્ય શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટા ઉદેપુર તરફ જવા માટે વધારાની બસો દોડાવાશે

હોળી અને ધૂળેટીના રંગોત્સવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન અને રાહબારી હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિશેષ પરિવહન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 1300 બસો વધારાની દોડશે અને 7500 ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

STના PRO શ્રદ્ધાબેન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તહેવારો દરમિયાન વતન પરત ફરતા મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે રાજ્યભરમાં મોટી સંખ્યામાં વધારાની બસો અને ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે.

આ વર્ષે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા મુખ્ય શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટા ઉદેપુર તરફ જવા માટે અંદાજે 1300 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ સાથે કુલ 7500 જેટલી વધારાની ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નિગમના અધિકારીઓ મુજબ, મુસાફરોની માંગ અને બુકિંગની સ્થિતિને આધારે જરૂર પડે ત્યાં વધારાની ટ્રિપ્સ પણ ઉમેરવામાં આવશે.

ધાર્મિક સ્થળોની વાત કરીએ તો હોળી-ધૂળેટીના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર અને દ્વારકા જેવા પવિત્ર ધામોની મુલાકાત લેતા હોય છે. આને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા 450 જેટલી બસો મારફતે આશરે 3500 ટ્રિપ્સનું વિશેષ સંચાલન કરવામાં આવશે. આ સેવાઓ દ્વારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન માટે પહોંચવાની સુવિધા મળશે અને તહેવારો દરમિયાન ટ્રાફિકનો ભાર પણ ઘટાડવામાં મદદ મળશે.

નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિશેષ પરિવહન વ્યવસ્થા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ડેપો અને નિયંત્રણ કક્ષાઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય.

તહેવારોના દિવસોમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ, સંતરામપુર અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં પોતાના વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો મુસાફરી કરે છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોકરી કે વ્યવસાય કરતા લોકો હોળી-ધૂળેટી ઉજવવા પોતાના ગામડાં તરફ વળતા હોવાથી પરિવહન પર ભારે દબાણ સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું છે, જેથી મુસાફરોને સરળ, સુરક્ષિત અને સમયસર સેવા મળી રહે.

મુસાફરોની સુવિધા માટે ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મુસાફરો નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ તેમજ કરંટ બુકિંગ કરી શકશે. આ સાથે સ્થાનિક ડેપો પરથી પણ ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. નિગમ દ્વારા મુસાફરોને આગોતરા બુકિંગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી છેલ્લી ઘડીએ ભીડ અને અવ્યવસ્થા ટાળી શકાય.

ST PRO શ્રદ્ધાબેનએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મુસાફરોને આરામદાયક, સલામત અને સુવ્યવસ્થિત પરિવહન સેવા પૂરી પાડવી નિગમની પ્રાથમિકતા છે. આ રીતે GSRTC દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનથી હજારો મુસાફરોને રાહત મળશે અને તહેવારો દરમિયાન પરિવહન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલતી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Share :

Leave a Comments