- જે તે સમયે આરોપીને પકડવા 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયુ હતું,
- આરોપીને વોચ ગોઠવી તેના વતન બાંસવાડાથી ઝડપી પડાયો, કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરામાં થયેલી હત્યા કેસમાં 16 વર્ષથી નાસતા-ફરતા હત્યાના એક આરોપીની જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપીને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તા. 27/1/2009ના રોજ વડોદરા નજીક આવેલી રણોલી GIDC ખાતે L&T કંપની નજીક આરોપી નગાભાઈ હડીયાભાઈ સારેલ (રહે. બીયાવાડા ગામ, તા. કુશલગઢ, જિ. બાંસવાડા, રાજસ્થાન)એ ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા (ઉ.વ. 27, રહે. તખલ્લુસ પાર્ક, તાંદળજા, વડોદરા)ને પાવડાના હુમલાથી માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-70 મુજબ વોરંટ ઇશ્યૂ થયેલું હતું અને તે જવાહરનગર પોલીસના ટોપ 10 નાસતા-ફરતા આરોપીઓની યાદીમાં સામેલ હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારની આગેવાની હેઠળ જવાહરનગર પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવી હતી કે, આરોપી નગાભાઈ હડીયાભાઈ રાજસ્થાનના બીયાવાડા ગામમાં રહે છે અને તુરંત સર્વેલન્સ ટીમને રાજસ્થાન મોકલીને આરોપીને તેના વતનથી ઝડપી લીધો હતો અને વડોદરા લાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીને આજે વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
DCP ઝૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, 16 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં આરોપીની પકડવામાં સફળતા મળી છે. મૃતક વ્યક્તિ લેબર કોન્ટ્રાક્ટર હતા અને આરોપી લેબર હતો. જેમાં પૈસા બાબતે હત્યા થઈ હતી. જે તે સમયે આરોપીને પકડવા માટે 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયુ હતું. આરોપીને વોચ ગોઠવીને તેના વતન બાંસવાડાથી પકડી પાડવામાં આવ્યો છે.


