સ્ટોક ટ્રેડિંગમાં કમિશનની લાલચ આપીને ઠગોએ સિનિયર સિટીઝન પાસેથી રૂા.35 લાખ પડાવ્યા

વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનvr સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - Fraudsters-extort-Rs-35-lakh-from-senior-citizen-by-promising-commission-in-stock-trading

- વોટ્સએપ અને બનાવટી વેબસાઇટ્સથી વૃદ્ધને ફસાવ્યા, સ્ટોક ટ્રેડિંગમાં કમિશનની લાલચ આપીને ઠગોએ ખાતામાં 2.75 કરોડ દેખાડ્યા, રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ને ભાંડો ફૂટ્યો

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન સાથે સાયબર ઠગોએ સ્ટોક ટ્રેડિંગના નામે 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને વોટ્સએપ ગ્રુપ અને બનાવટી વેબસાઇટ્સ દ્વારા ફસાવીને કુલ 35,30,000 રૂપિયાનું નુકસાન કરાવવામાં આવ્યું છે. તેઓ ઘરેબેઠા ઇલેક્ટ્રિકલ પાવર કન્સલ્ટન્સીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

22 જૂન, 2025ના રોજ સિનિયર સિટીઝનને વોટ્સએપ પર ગ્રુપમાં જોડાવા માટેની રિક્વેસ્ટ આવી હતી. જેના પર ક્લિક કરતાં તેઓ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ગ્રુપમાં 93 મેમ્બર્સ હતા અને તેમાં રોજિંદા ચેટિંગ અને પોઝિટિવ રિવ્યુઝ થતાં હતા. તા. 12 જુલાઈ, 2025ના NJGROUP STOCK TRADING કંપનીની કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે ઓળખ આપીને સહાના આયંગરે પર્સનલ ચેટ કરીને સ્ટોક ટ્રેડિંગ વિશે જાણકારી આપી હતી. તેણે ટ્રેડિંગ પર 10% કમિશન મળશે તેવું વચન આપ્યું હતું.

ગ્રુપમાં અન્ય મેમ્બર્સ અને એડમિન દ્વારા પોઝિટિવ રિવ્યુઝ આપવામાં આવતા હતાં. આ ઉપરાંત કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપીને નિર્મય ચોકસી રોજ ગ્રુપમાં પોસ્ટ કરતી હતી અને કંપનીના ફોટા તથા ટેમ્પ્લેટ્સ મૂકતી હતી. સિનિયર સિટીઝને ગૂગલ પર વેરિફાઈ કરીને વિશ્વાસ કર્યો હતો અને ટ્રેડિંગ કરવાનું નક્કી કર્યું હતું.

સિનિયર સિટીઝનને એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. તેઓને એક ગૂગલ ફોર્મ મોકલવામાં આવ્યું હતું, જેમાં પર્સનલ માહિતી ભરવાની હતી. ફોર્મ સબમિટ કરતાં તેઓ વેબસાઇટ પર રજિસ્ટર થઈ ગયા હતાં. કસ્ટમર સર્વિસ દ્વારા બેંક એકાઉન્ટ્સની વિગતો મોકલાતી હતી અને SEBI રજિસ્ટર્ડ NJGROUP કંપનીના સ્ક્રીનશોટ તથા પીડિતના નામે HNI એકાઉન્ટ ઓપનિંગ લેટર (સ્ટેમ્પ સાથે) મોકલાયા હતાં. તા. 01 ઓગસ્ટ 2025ના રોજ સિનિયર સિટીઝને એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેબસાઇટ પર આ રકમ દેખાતી હતી. ત્યારબાદ વધુ રકમ ટ્રાન્સફર કરાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જેથી 5,00,000 રૂપિયા ભર્યા અને તા. 05 ઓગસ્ટ 2025ના રોજ 1,20,000 રૂપિયા પરત મળ્યા હતાં, જેથી વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.

વેબસાઇટ અમુક વખત બંધ થઈ જતી હતી, તેથી સિનિયર સિટીઝનને નવી વેબસાઇટ્સ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવીને કુલ 36,50,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં. તેમાંથી 1,20,000 રૂપિયા પરત આપીને 35,30,000 રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટ, 2025ના રોજ વેબસાઇટ પર 2,75,00,000 રૂપિયા દેખાતા હતાં. જે પૈકી સિનિયર સિટીઝને 60,00,000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને 23,90,000 રૂપિયા કમિશન તરીકે ભરવા કહેવામાં આવ્યું, જેનાથી તેમને ફ્રોડ થયું હોવાનો અહેસાસ થયો હતો. સિનિયર સિટીઝને તરત જ 1930 પર ઑનલાઇન અરજી કરી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Share :

Leave a Comments