- રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં અસર થશે
- પાલિકા દ્વારા શહેરીજનોને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ કરી લેવા અપીલ, કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહીસાગર નદીમાં સ્થિત રાયકા ફ્રેન્ચવેલની આસપાસ ભારે સિલ્ટ જમા થયેલ હોવાથી ડિસિલ્ટિંગ (સિલ્ટ દૂર કરવાની) કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી આવેલા મોટા પ્રમાણમાં પાણીને કારણે આ સિલ્ટિંગ થયું હતું, જેના લીધે ફ્રેન્ચવેલમાંથી પાણીનો પુરવઠો ઘટી ગયો હતો.
આ કામગીરી દરમિયાન ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય અસ્થાયી રૂપે ઓછો થશે, જેની સીધી અસર શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર પડશે. જેના કારણે રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં આગામી 15થી 20 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે મળશે.
રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારો જેવા કે એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયરનગર બુસ્ટર, વારશીયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પુનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હીકલપુલ બુસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી, લાલબાગ ટાંકીના વિસ્તારોને અસર પડશે.
આ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતા જેમાં પરશુરામ બુસ્ટર, જુનીગઢી બુસ્ટર, વ્હીકલપુલ બુસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જુની ટાંકી, સમા-પુનમ નગર ટાંકી, ટી.પી-૧૩ ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, નવી ધરતી બુસ્ટર, ફતેહપુરા બુસ્ટર, સાધના નગર બુસ્ટર, બકરાવાડી બુસ્ટરના તમામ વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે આપવામાં આવી શકે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે આ અસુવિધા અસ્થાયી છે અને કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશે. જાહેર જનતાને આ બાબતે નોંધ લઈને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ જારી લેવા તેમજ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.


