- ફરાસખાના-મીઠાઈના બોક્સનો માલ બળીને ખાખ, આસપાસના ગોડાઉનમાં ગણપતિ અને દશામાની મૂર્તિઓ બચી ગઈ, શોર્ટ સર્કિટ કે અન્ય કારણે આગ લાગ્યાનું અનુમાન
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પર ધનીયાવી પાસે આવેલા ફરાસખાના-મીઠાઈ સહિતના બોક્સના 5 ગોડાઉનોમાં ભીષણ આગની લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આસપાસના ગોડાઉનોમાં ગણપતિ અને દશામાની મૂર્તિઓ પણ હતી, પરંતુ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઈ લેતા મૂર્તિઓ સુરક્ષિત રહી હતી.
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પર ધનુયાવી પાસે આવેલા 5 જેટલા ફરાસખાના-મીઠાઈના બોક્સના ગોડાઉનોમાં ભીષણ આગની લાગી હતી. જેને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પવનના કારણે આગે ઝડપથી પ્રસરીને બાજુમાં આવેલા ફરાસખાનાના ગોડાઉન અને મીઠાઈના બોક્સ બનાવતા ગોડાઉનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. બાજુમાં જ પ્રતિમા બનાવવાની વખાર આવેલી હોવાથી તેમાં પણ આગ પ્રસરી હતી. લાકડા, કાપડ અને જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે વધુ વેગ પકડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 જેટલા ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ કલાકો સુધીની જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગની ભીષણતાના કારણે ગોડાઉનોમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં મોટું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કારણને પગલે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આસપાસના ગોડાઉનો અને દુકાનો બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે કુલિંગની કામગીરી ચાલુ રાખી હતી.


