- 31 ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળાના રીટર્ન 31 જાન્યુઆરી 2026 સુધીમાં ભરવા રોજગાર કચેરીની સૂચના
વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે રોજગાર કચેરી દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-1959 અંતર્ગત, તમામ એકમોએ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના ઈ.આર.-1 રીટર્ન (પત્રકો) આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી દ્વારા આ અંગેની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ સૂચનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમો, બેંકો તેમજ ખાનગી ક્ષેત્રની શાળાઓ, હોસ્પિટલો, હોટલો, પેટ્રોલપંપો, મોલ અને એન.જી.ઓ.નો સમાવેશ થાય છે. ઉત્પાદનલક્ષી એકમોએ સ્થાનિક અને બિન-સ્થાનિક કર્મચારીઓની માહિતી દર્શાવતું 85% નું છ-માસિક રીટર્ન પણ જમા કરાવવાનું રહેશે. આ પત્રકો ઓનલાઈન પોર્ટલ, ઈમેલ અથવા રૂબરૂમાં તરસાલી સ્થિત આઈટીઆઈ કેમ્પસમાં મોકલી શકાશે.
વધુમાં, જે સંસ્થાઓને ઉમેદવારોની ભરતીમાં મુશ્કેલી પડતી હોય તેમને સરકારના 'અનુબંધમ' પોર્ટલ અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર જોબ પ્રોવાઈડર તરીકે નોંધણી કરવા અપીલ કરાઈ છે. રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ વિનામૂલ્યે છે, જેનો લાભ લેવા અને નિયમિતપણે ભરતી મેળાઓમાં સહભાગી થવા માટે રોજગાર અધિકારીએ અનુરોધ કર્યો છે.


