વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સુદર્શન નગરમાં રહેતા રાણપુરા પરિવારનો યુવક વાયા દુબઈ થઈને થાઈલેન્ડ ગયા બાદ છેલ્લા છ મહિનાથી સંપર્ક વિહોણો બની જતા પરિવારજનોની ચિંતા વધી છે. તુષાર રાણપુરા નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર દુબઈ ગયો હતો અને ત્યાં નોકરીમાં લાગ્યો હતો. ત્યારબાદ ત્યાંથી કોઈ એજન્ટ મારફત થાઈલેન્ડ ગયો હતો. પરિવારજનોનું માનીએ તો, થાઈલેન્ડ ગયા બાદ છેલ્લા છ મહિનાથી તેમની પુત્ર સાથે વીડિયો કોલ પર વાત નથી. ફક્ત ટેલિગ્રામ પર ઓડિયો મેસેજ આવે છે. તુષારને થાઈલેન્ડમાં કોઈ ગેંગ દ્વારા બંધ બનાવી લેવાયો હોવાની પરિવારને આશંકા છે. માતા-પિતાએ વડોદરા પોલીસ અને સરકાર પાસે મદદની માગ કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે તુષાર રાણપરાની માતા નીતાબેન રાણપરાએ જણાવ્યું હતુ કે, છેલ્લા છ મહિના થયા અમારી પુત્ર સાથે વાતચીત નથી થઈ. આપણી બાળક સાથે છ-છ મહિના સુધી વાતચીત ન થાય ત્યારે શું દુઃખ થાય તેનું દર્દ માતા પિતા જ જાણે. માતાએ વધુમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલા વાત કરતો હતો કે મમ્મી તમે ચિંતા ન કરશો.હું અહીં સહી સલામત છું. પહેલા રેગ્યુલર ફોન આવતો હતો અને ખબર અંતર પૂછતો હતો.

યુવકના પિતા નાગરભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, મારો દીકરો લગભગ દોઢેક વર્ષ પહેલા એક એજન્ટ મારફત દુબઈ ગયો હતો. એજન્ટે મને કહ્યું હતું કે, હું તમારા દીકરાને નોકરી લગાડી દઈશ. દુબઈ ગયા બાદ મારા દીકરાને હોટલમાં નોકરીએ લગાડી દેવામાં આવ્યો હતો.દોઢેક મહિના સુધી ત્યાં નોકરી કર્યા બાદ દુબઈમાં જ બીજી કંપનીમાં નોકરીએ રખાવ્યો હતો. ત્યાં ત્રણ ચાર મહિના નોકરી કર્યા બાદ તેનો એક ઈન્ડિયન એજન્ટ સાથે સંપર્ક થયો હતો. તેને તુષારને સારી સેલેરીની વાત કરી અન્ય દેશમાં લઈ જવાની વાત કરી હતી. તે એજન્ટ કોણ છે તેની મને ખબર નથી. થોડા દિવસ બાદ જ્યારે મેં મારા દીકરાને પૂછ્યું કે, તું ક્યાં છે? ત્યારે તેને મને થાઈલેન્ડમાં હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં અમારી અને તુષારની વીડિયો કોલ પર વાતચીત થતી હતી. તે મને ત્યાંના લોકેશન પણ બતાવતો હતો. તે જે સ્થળ પર હતો તે પહાડી વિસ્તાર હતો, ત્યાં એક કેમ્પસ જોવા મલતું હતું. આસપાસ કોઈ રહેણાંક વિસ્તાર નહોતો. કેમ્પસમાં બાઉન્સરો અને કૂતરા જોવા મળતા હતા. વોટસએપ કોલ પર જે લોકેશન બતાવ્યું હતું કે તેમાં પાછળના ભાગે બુદ્ધ મંદિર દેખાતું હતું.
પિતાએ વધુમાં જણાવ્યું કે, મારા દીકરાને આજે એક વર્ષનો સમયગાળો પૂરો થયો એટલે છેલ્લા છ મહિનાથી યોગ્ય અપડેટ અને વાતચીત ન થતાં મને મનની અંદર શંકા જવા માંડી કે મારા દીકરા સાથે કઈ અજુગતું બન્યું છે. કારણ કે એનો મોબાઇલ એની પાસે નથી. તેની પાસે મોબાઈલ ફોન પણ નથી. ફક્ત ટેલિગ્રામ પર વોઈસ મેસેજ આવે છે. તે પણ ઓરિજિનલ અવાજ હોય તેવું મને લાગતું નથી. મારા દીકરાને ત્યાં બંધક બનાવી લેવાયો હોવાની આશંકા છે. જ હોય તે અમારા દીકરાને પરત લાવવા માટે અમે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી છે.

એસીપી જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, નાગરભાઈ રાણપરા દ્વારા સમા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. જેમાં પોતાનો દીકરો એપ્રિલ 2024માં દુબઈ ગયો હતો. અહીંથી વેદ અને કુશાંક નામના એજન્ટ દ્વારા તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. દુબઈ ગયા બાદ તુષારનો સંપર્ક અભિષેક કુમાર નામના વ્યકિત સાથે થયો હતો તેના દ્વારા નોકરી માટે તુષારને અન્ય કન્ટ્રીમાં મોકલવામાં આવ્યો હતો.
પિતાના જણાવ્યા મુજબ દીકરા સાથે છેલ્લા છ મહિનાથી વીડિયો કોલમાં વાતચીત થઈ નથી. ફક્ત ટેલિગ્રામ પર વોઈસ મેસેજ દ્વારા વાતચીત થાય છે. અરજદારનો આક્ષેપ છે કે, પોતાના દીકરાને કોઈએ બંધ બનાવ્યો હોય શકે. આ બાબતે જેસીપી સાહેબ તરફથી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ટેક્નિકલ સોર્સથી તુષારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


