- મારે નથી ભણવું, તમે સ્કૂલમાંથી એલસી લઇ લો. મને ભણવામાં રસ નથી, હું મારી મરજીથી જઉં છું. મારે તમારી સાથે કોઇ સંબંધ રાખવો નથી લખેલી ચિઠ્ઠી વાંચતાં પરિવાર ચિંતિંત!!
મકરપુરામાં રહેતી ૧૪ વર્ષની કિશોરીએ ચિઠ્ઠી લખીને માતા-પિતા સાથે કોઇ સંબંધ રાખવો નથી, તેવો ઉલ્લેખ કરી બે દિવસ પહેલા રાત્રે ઘરેથી જતી હતી. ચિઠ્ઠી વાંચી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને મકરપુરા પોલીસને જાણ કરી છે. વિદ્યાર્થિની ઘરેથી પિતાનો મોબાઈલ લઈને નિકળી હોવાથી પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરી છે.
મકરપુરામાં રહેતી અને ધો. ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની ગત ૨૦ મી તારીખે ઘર છોડીને જતી રહી હતી. ઘર છોડીને જતા પહેલા તેણે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી. તેમાં લખ્યું હતું કે, મારે નથી ભણવું, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો. મને ભણવામાં રસ નથી,હું મારી મરજીથી ભણવા માગતી નથી. હું મારી મરજીથી જઉં છું. મારે તમારી જોડે રહેવું નથી. હું મારી જવાબદારી સાથે જઉં છું. હું મરી જઉં તો મારી માથે. મારે તમારી સાથે કોઇ સંબંધ રાખવો નથી. અને મારે તે છોકરા સાથે પણ કોઇ સંબંધ રાખવો નથી. એની જોડે રહીશ તો તમે નઇ જીવવા દો. એ એ એની મમ્મીનો લાડકો છે. એટલે મારે એની જોડે જઇને એની લાઇફ નહીં બગાડવી, એટલે હું એકલી રહીશ, હું જીવું તેની જવાબદારી મારી છે. તમારે કોઇ સંબંધ રાખવો નહીં હું ગમે ત્યાં જઇશ. બાય... આ ચિઠ્ઠી વાંચીને પરિવાર ચિંતામાં મુકાયો હતો.
પરિવારે તપાસ કરવા છતાંય તેનો કોઇ પતો નહીં લાગતા છેવટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને કોઇ અપહરણ કરીને લઇ ગયું છે. દીકરીના પિતાનો મોબાઇલ ફોન પણ ઘરેથી ગૂમ છે. જે મોબાઇલ નંબર હાલમાં બંધ છે.


