રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓનું મતદાન આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ (સવારના ૦૭૦૦ થી સાંજના ૦૬૦૦ વાગ્યા સુધી) યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષીને સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે.
આ ચૂંટણીઓ ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ એક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર, વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીના હદ વિસ્તાર સિવાયના વડોદરા જિલ્લાના ઉપરોક્ત તમામ ચૂંટણી વિસ્તારોમાં મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વધુમાં, આ જાહેરનામા અન્વયે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ કે ચૂંટણી પ્રચારકો કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના નોંધાયેલા મતદારો ન હોય, તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી તે મતદાર વિભાગમાં હાજર રહેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર ઠરશે.


