મકરપુરા સેન્ટર ખાતેથી EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું, કલેક્ટરે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું

માંજલપુર વિધાનસભા મતવિસ્તારની આવતીકાલે 30 જુલાઇએ પેટાચૂંટણી યોજાશે

MailVadodara.com - EVMs-and-election-materials-were-distributed-from-the-Makarpura-center-the-Collector-visited-and-inspected-the-site

- ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને સફળ બનાવવા માટે 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર અને 286 પટાવાળા સહિત 1400થી વધુ પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરાઇ

શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-2026ના 30 જુલાઈએ યોજાનારા મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે તૈયાર કરાયેલા ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતેથી EVM તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ રિસિવિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

Manjalpur By-Election 2026: EVM Distribution at Makarpura; Collector Visit

જિલ્લા કલેક્ટરે સેન્ટર પર ઊભા કરાયેલા કંટ્રોલ રૂમ, ડિસ્પેચ ટેબલ પર ચાલી રહેલા સામગ્રી વિતરણ, પોલિંગ સ્ટાફ માટેની પ્રાથમિક સુવિધાઓ તેમજ વાહન-વ્યવહાર સહિતની તમામ આનુસાંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને તમામ ટીમો સુરક્ષિત રીતે પોતપોતાના મતદાન મથકે પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુલાકાત વેળાએ કલેક્ટર અનિલ ધામેલિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મતદાનની કામગીરીને પહોંચી વળવા માટે કુલ 28 જેટલા નિર્ધારિત રૂટ મારફતે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને સફળ બનાવવા માટે 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર અને 286 પટાવાળા સહિત 1400થી વધુ પોલીસકર્મીઓની વિશાળ ટીમ તૈનાત કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાન મથકો પર વિશેષ મોબાઈલ ડિપોઝિશન સેન્ટર ઊભા કરાયા છે જેથી તેઓ પોતાના મોબાઈલ સુરક્ષિત રાખીને નિર્ભયપણે મતદાન કરી શકે.

વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતે વોટરપ્રૂફ ટેન્ટ તૈયાર કરાયા છે. જે મતદાન મથકો નજીક પાણી ભરાવાની શક્યતા છે ત્યાં રસ્તાઓની સફાઈ, ડીવોટરિંગ પંપ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે. અંતમાં, કલેક્ટરે લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ નાગરિકોને સમયસર મતદાન મથકે પહોંચીને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.

Share :

Leave a Comments