- ભરતપુર જતી વખતે પ્લેટફોર્મ નંબર-6 પર બની ઘટના, 1.5 તોલા સોનાની ચેઇન ગાયબ
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે ભારે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે મહિલા મુસાફરના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન ચોરી લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પીડિત પરિવારે રેલવે પોલીસ કંટ્રોલ રૂમને ઈ-મેઇલ મારફતે જાણ કરી ચોરીનો ગુનો ઉકેલવા માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા રવિન્દ્ર મદનલાલ ખંડેલવાલ ગત 20 જુલાઈના રોજ પત્ની મંજુબેન સાથે ભરતપુર જવા માટે નીકળ્યા હતા. તેમણે ટ્રેન નં. 09111 વડોદરાગોરખપુર એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ટ્રેન પ્લેટફોર્મ નંબર-6 પર આવતાં જ તેઓ એસ-3 (S-3) કોચમાં ચડી રહ્યા હતા ત્યારે ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેનમાં સવાર થયા બાદ મંજુબેનના ગળામાં પહેરેલી 'ઓમ' પેન્ડન્ટવાળી આશરે 1.5 તોલા સોનાની ચેઇન (જેની અંદાજિત કિંમત રૂ. 73,600 છે) ગાયબ જણાતાં પરિવારે કોચ અને દરવાજા પાસે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ચેઇન મળી આવી નહોતી.
શરૂઆતમાં ચેઇન ગળામાંથી ખેંચી જવાની વાત વહેતી થઈ હતી પરંતુ, રવિન્દ્રભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ શખ્સે ચેઇન તોડતા કે ખેંચતા જોવામાં આવ્યો નથી; ભીડનો અયોગ્ય લાભ લઈને ગળામાંથી ચેઇન સેરવી લેવાઈ હોવાની પ્રબળ શંકા છે. આ અંગે રેલવે પોલીસ કંટ્રોલ રૂમને ઈ-મેઇલ દ્વારા લેખિત જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


