- વીજળી ન હોવાના કારણે ટાંકી ખાતે આવેલી હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ ચલાવી શકાય તેમ નથી
- તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી પાણીનો યોગ્ય સંગ્રહ કરી રાખવા ખાસ અપીલ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ ટાંકી હેઠળ આવતા વિવિધ વિસ્તારોના નાગરિકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 29મે, 2026ને શુક્રવારના રોજ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા વિલંબથી મળશે. આ અંગે પાલિકાના તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી પાણીનો યોગ્ય સંગ્રહ કરી રાખવા અને સહકાર આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
29 મેના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કારેલીબાગ રસ/ડી સબ-સ્ટેશન ખાતે વીજ શટડાઉન રાખવામાં આવ્યું છે. આ શટડાઉનને કારણે કારેલીબાગ પાણીની ટાંકી ખાતે સવારે 7 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વીજળી ન હોવાના કારણે ટાંકી ખાતે આવેલી હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ ચલાવી શકાય તેમ નથી. પરિણામે, કારેલીબાગ ટાંકીમાંથી સવાર અને સાંજ વહેંચાતા પાણી પુરવઠાના સમયપત્રક પર તેની સીધી અસર પડશે.
આ વીજ શટડાઉનના કારણે સવારના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારો જેવા કે કલાકુંજ સોસાયટી, વૃંદાવન, કૃષ્ણલીલા સોસાયટી, આમ્રપાલી, મુખ્યમંત્રી આવાસ, ફતેપુરા, અમિતનગર, અજિતાનગર અને ભાવનાપાર્ક વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ સમયસર થઈ શકશે નહીં. આ ઉપરાંત, સાંજના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારો જેવા કે જ્યોતીપાર્ક, આનંદનગર, સુવિધાપાર્ક, બ્રાઈટ સ્કૂલવાળો ખાંચો, દીપિકા સોસાયટી, અમિતનગર, શાંતિપાર્ક, અંબાલાલપાર્ક, આર્યકન્યા, રણછોડપાર્ક, સોનલપાર્ક, જયગાયત્રીનગર અને અયોધ્યાનગર જેવા તમામ વિસ્તારોમાં પણ પાણી નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું મળશે.
હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે પાણીની જરૂરિયાત વધુ હોય છે. શહેરના નાગરિકો જોગ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર, આ તમામ વિસ્તારોમાં પાણી ખૂબ જ હળવા દબાણથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. તેથી, સ્થાનિક રહીશોને મુશ્કેલી ન પડે તે માટે પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખવા વિનંતી કરવામાં આવી છે.


