ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા, હાલ સપાટી 213.46 ફૂટે પહોંચી

વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામેલો છે, હાલ પરિસ્થિતિ ટોટલ કંટ્રોલ હેઠળ

MailVadodara.com - Due-to-heavy-rains-in-the-upper-reaches-62-gates-of-Ajwa-Lake-were-opened-the-level-has-now-reached-213-46-feet

- હાલમાં સપ્ટેમ્બરના રુલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે : મ્યુનિ.કમિશનર

- કાલાઘોડા સ્થિતિ વિશ્વામિત્રી નદીનું લેવલ 11.48 ફૂટે પહોંચ્યું!


વડોદરા નજીક આવેલું અને વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરના 62 દરવાજા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખોલવાની ફરજ પડી છે. ત્યારે હાલમાં સપ્ટેમ્બરના રુલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે. હાલમાં આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે વિશ્વામિત્રી કાલાઘોડા લેવલ 11.48 ફૂટે પહોંચ્યું છે, જે ધીરે ધીરે વધશે. ત્યારે હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી તેવું સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામેલો છે, અને સતત વરસાદ પડી રહ્યો છે. વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આજ સવારથી આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરનું રૂલ લેવલ મેન્ટેન કરી રાખવા અને યોગ્ય સંચાલન તેમજ સાવચેતીના પગલા તરીકે આ ગેટ ખોલવામાં આવ્યા છે. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી આ ગેટ ખુલ્લા રાખવામાં આવશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.


આ અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજવા સરોવરનું પાણીનું લેવલ 213 ફૂટને પાર પહોંચ્યું છે. સપ્ટેમ્બર મહિનાના રુલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે. અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણા સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું. ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે પ્રતાપપુરા હાલમાં કંટ્રોલમાં છે અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે. પણ સાવચેતીના ભાગરૂપે અને રુલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ આજે ખોલવામાં આવ્યા છે. આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવાના ગેટ ખોલવામાં આવ્યા છે.

આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હવે 211થી 213.85ની વચ્ચે આજવાના દરવાજાને આપણે મેનીપ્યુલેટ કરી શકીએ છીએ. 213.85 થાય તો આજવાના દરવાજા ઓટોમેટિક ખુલી જાય છે. હાલ હવામાન ખાતાની આગાહી પણ છે અને આજવા સરોવરનું લેવલ 213.45 ફૂટ છે, તો હાલ તંત્રએ ધીરે-ધીરે કરીને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં અને સૂર્યા નદીમાં ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે.


વધુમાં જણાવ્યું કે, હાલ દરવાજા 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ રૂલ લેવલ 212.50 અથવા તો વિશ્વામિત્રીનું લેવલ 16 ફૂટ આવે, એ બંને પર ચાપતી નજર રાખી અને ધીરે ધીરે આજવા સરોવરનું પાણી છોડવામાં આવશે. હવામાન ખાતાની આગાહી પર પણ ચાપતી નજર રાખવામાં આવશે અને કહેવાય કે ફ્લેક્સિબલ ડિસીઝન છે. જ્યારે તંત્રને લાગશે કે કોઈ જોખમ ઊભું થયું છે ત્યારે દરવાજા બંધ કરવામાં આવશે.

વધુમાં કહ્યું કે, હાલ પરિસ્થિતિ ટોટલ કંટ્રોલ હેઠળ છે. બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે વિશ્વામિત્રી નદી લગભગ 11 ફૂટે છે. એકાદ ફૂટ જેટલું પાણી ખાલી કરીએ તો વિશ્વામિત્રીની સપાટી 15થી 16 ફૂટ પહોંચી શકે, છતાં તંત્ર દર કલાકે કલાકે વિશ્વામિત્રી નદીના લેવલમાં કેટલો રાઈઝ થાય છે એ જોઈને હેગ્રા સોફ્ટવેરનો ઉપયોગ કરીને એના તમામ અંદાજો પણ લેવામાં આવશે. આજવા સરોવરમાંથી 4થી 5 એમસીએમ પાણી ખાલી કરવાનું છે. મને લાગે છે કે, આવનારા 10થી 12 કલાકની અંદર આજવાની સપાટી જે અત્યારે 213.45 છે, એ 212.50ની આસપાસ આવવાની શક્યતાઓ છે. એમાં ટાઈમિંગમાં તો એક્ઝેટ ન કહી શકાય. કારણ કે ઉપરથી રેઈનફોલ ચાલુ હોય તો સપાટીની ઘટવાની સ્પીડમાં પણ ઘટાડો થઈ શકે છે. પરંતુ તંત્ર ચાપતી નજર રાખીને બેઠું છે.

વધુમાં જણાવ્યું કે, આજવા સરોવરનું લેવલ, પ્રતાપુરા સરોવરનું લેવલ, કાલા ઘોડા, વિશ્વામિત્રીનું લેવલ અને યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. હાલ કોઈ જ જાતનો ચિંતાનો માહોલ છે નહીં, પરિસ્થિતિ ટોટલ કંટ્રોલ હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડભોઇમાં 106 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે વડોદરામાં 41 મિમી, સાવલી 32 મિમી, વાઘોડિયા 70 મિમી, પાદરામાં 31 મિમી, કરજણમાં 86 મિમી, સિનોર 59 મિમી અને ડેસરમાં 16 મિમી વરસાદ ખાબક્યો છે.

Share :

Leave a Comments