- ઘટના બાદ કારચાલક ફરાર જતાં પોલીસ સીસીટીવીની મદદથી કારમાલિક સુધી પહોંચી હતી
- કારમાલિકે કાર તરસાલીના હિતેન રાજપૂતને આપી હોવાનું કહેતા સિટિ પોલીસે તેની ધરપકડ કરી, કારચાલક સાથે તેના બે મિત્રોએ પણ નશો કર્યો હોવાનું જાણવા મળતાં ગુનો દાખલ
શહેરના માર્ગો સામાન્ય નાગરિકો માટે સલામત નથી. રાત્રે તો ઠીક વહેલી સવારે અને બપોરે પણ નશેબાજ વાહનચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વહેલી સવારે નશેબાજ વાહનચાલકે એમ.જી. રોડ પર વૃદ્ધાને કચડી નાખતા મોત થયું છે. સિટિ પોલીસે અકસ્માત કરનાર આરોપીને ઝડપી પાડયો છે. જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહતું.
આજે વહેલી સવારે સવા ચાર વાગ્યે માંડવીથી ન્યાયમંદિર તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે ૭૫ વર્ષની વૃદ્ધાને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતી. અકસ્માત પછી કારચાલક અને તેની સાથે કારમાં બેઠેલા યુવકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. લોકો ટોળે વળતા કારનો પીછો કર્યો હતો.સ્થાનિક આગેવાનોએ નજીકની દુકાનો ખોલાવી સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા હતા. જેના આધારે પોલીસ કારમાલિકના ઘરે પહોંચી હતી.
કાર માલિકે પોલીસને જણાવ્યું હતું કે, મેં આ કાર હિતેન રાજેશભાઇ રાજપૂત, ઉં.વ.૨૫ (રહે. શરદનગર, તરસાલી)ને આપી હતી. જેથી, પોલીસ હિતેનની ત્યાં પહોંચી હતી. હિતેન ઘરે મળી આવતા પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. તેણે દારૂનો નશો કર્યો હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. તેની સાથે કારમાં બેઠેલા તેના મિત્રો ધુ્રવ નિમીતભાઇ પરમાર (રહે. શરદ નગર, તરસાલી) તથી યોગેશ નારાયણભાઇ રાજપૂત (રહે. ટીચર્સ કોલોની, તરસાલી) પણ ઘરેથી મળી આવ્યા હતા. તેઓએ પણ નશો કર્યો હોઇ પોલીસે તેઓની સામે પણ અલગથી ગુના દાખલ કર્યા છે.
પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં હિતેન ફોટોગ્રાફર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અકોટા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાંથી ત્રણેય મિત્રો નાસ્તો કરવા માટે ચોખંડી આવ્યા હતા અને ત્યાંથી પરત જતા સમયે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર વૃદ્ધાની હજી ઓળખ થઇ નથી.


